મુંબઇઃ દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર બેકાબૂ થઇ રહી છે. દેશભરમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં  નોંધાઇ રહ્યા છે. ખાસ કરીને  મુંબઇમાં કોરોનાએ રફતાર પકડી છે. કોરોનાની ઝડપને જોતા સરકાર લોકડાઉન લગાવે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. જેને જોઇને મુંબઇમાં પ્રવાસી મજૂરોમાં ડરનો માહોલ છે. તેમને ડર છે કે સરકાર અચાનક લોકડાઉન લગાવી દે છે તો તેમની સ્થિતિ કફોડી બની જશે તેના કારણે તેઓ પોતાના ગામડે  પહોંચી રહ્યા છે. મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસ પર ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસી મજૂર ભેગા થયા છે. ગુરુવારની રાત્રે મુંબઇ રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં કામદારો પોતાનો સામાન લઇને એકઠા થયા હતા. અચાનક ભીડને જોઇને પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો તેમ છતાં મજૂરો ત્યાંથી ખસ્યા નહોતા.તમામનો પ્રયાસ હતો કે તેમને જલદી ટિકિટ મળી જાય અને તેઓ  પોતાના ઘરે પહોંચી જાય


વધતા કોરોનાના કારણે જો મુંબઇમાં લૉકડાઉન લાગી જશે તો તેઓ ભૂખ્યા મરી જશે એવા ડરના કારણે લૉકડાઉન પહેલા પોત પોતાના ગામડે પહોચી જઇએ તેવા પ્રયાસમાં મજૂરો પલાયન કરી રહ્યા છે. મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 હજારથી વધારે કેસ મળ્યા છે. એવામાં લૉકડાઉનની આશંકાથી પ્રવાસી મજૂર ડરેલા છે.


સંપૂર્ણ લોકડાઉનની ચર્ચાથી પ્રવાસીઓ અને ખાસ કરીને મજૂરોમાં ખૂબ જ ડર છે . ગુરુવાર રાતથી જ મુંબઈના લોકમાન્ય તિલક સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ ઉમટવા લાગી હતી .


મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 20,181 કોરોનાના  કેસ નોંધાયા છે અને ચાર લોકોના મોત થયા છે. આ સાથે જ  મુંબઇમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 79,260 થઇ ગઇ છે. શહેરની હોસ્પિટલમાં 16 ટકા બેડ દર્દીઓથી ફૂલ થઇ ગયા છે. જ્યારે 500થી વધુ ઇમારતોને સીલ કરી દેવામાં આવી છે.  જ્યારે કોરોનાથી સંક્રમિત 2437 ગુરુવારે સ્વસ્થ થયા હતા.


બીએમસીના કહેવા અનુસાર મુંબઇની ધારાવીમાં ગુરુવારે 107 નવા કોરોનાના દર્દીઓ  નોંધાયા છે. હવે ધારાવીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 7626 સુધી પહોંચી ગઇ છે. મુંબઇમાં એક્ટિવ કેસની સંખ્યાવધીને 79,260એ પહોંચી છે. મુંબઈમાં આજે 67 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 20,181 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે આજે પોઝિટિવિટી રેટ 29.90 નોંધાયો છે.