CDS Bipin Rawat Chopper Crash: તામિલનાડુના કુન્નુરમાં બુધવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય અધિકારીઓને લઈ જતું આર્મીનું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.




એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર આ આર્મી હેલિકોપ્ટરમાં જે લોકો હતા તેમની યાદી બહાર આવી છે. તેમાં CDS બિપિન રાવત અને તેમના કર્મચારીઓ ઉપરાંત તેમના પરિવારના કેટલાક સભ્યો પણ હતા. જનરલ રાવત ઉપરાંત, હેલિકોપ્ટરમાં સવાર લોકોમાં મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, ગુરસેવક સિંહ, જિતેન્દ્ર કુમાર, વિવેક કુમાર, બી સાઈ તેજા અને હવાલદાર સતપાલનો સમાવેશ થાય છે.




કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની હતા. કહેવામાં આવી રહ્યું છે કે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામને સારવાર માટે વેલિંગ્ટન બેઝ પર લઈ જવામાં આવ્યા છે. ચોથા વ્યક્તિની શોધખોળ ચાલુ છે.




 દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાંથી આગની જ્વાળાઓ ઉભરાવા લાગી હતી. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મદદ કરવાનું શરૂ કર્યું હતું.