નવી દિલ્લીઃ દેશ સહિત સમગ્ર દુનિયામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમજ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને કોરોનાની ત્રીજી લહેરને લઈને સચેત રહેવા સૂચના આપી હતી. આ બધાની વચ્ચે મણિપુરમાં કોરોનાના વધતા કેસોને પગલે 10 દિવસનું લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. 


મણિપુરમાં ઘણા બધા કેસો સામે આવ્યા છે. ત્યાંની સરકારે કોરોનાની ચેઇન તોડવા માટે 10 દિવસનું લોકડાઉન લાદી દીધું છે. આ લોકડાઉન 18 જુલાઇથી લાગુ પડશે. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂ રહેશે, સ્વાસ્થ્ય વિભાગના કહ્યા મુજબ કોરોનાના વધતાં કેસોની ચેઈન તોડવા માટે થઈને આ લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે.







કોરોનાની બીજી લહેર હજુ પૂર્ણ નથી થઈ ત્યાં કોરોનાની ત્રીજી લહેરને લઈને લોકોમાં ડર ફેલાયેલો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એક્શનમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદી આજે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ રાજ્યોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને કેરલનો સમાવેશ થાય છે. 


આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, ‘આપમએ હાલમાં એક એવા વળાંક પર છીએ જ્યાં ત્રીજી લહેરની આશંકા સતત વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક રાજ્યોમાં કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે જે પણ ચિંતાનો વિષય છે.


તમામ છ રાજ્યોના મુખ્યમંત્રીઓને પીએમ મોદીએ કહ્યું, ‘વિતેલા સપ્તાહે અંદાજે 40 ટકા નવા કોરોના કેસ તમારા રાજ્યો (તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ)માંથી આવ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.’


હિલ સ્ટેશનો અને પર્યટન સ્થળો પર એકઠી થતી ભીડ પર ફરી પ્રધાનમંત્રીએ ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે અનલોક બાદ સાર્વજનિક સ્થળો પર જે રીતે ભીડ એકઠી થઈ રહી છે તે ચિંતાજનક છે. ભીડને અટકાવવા માટે સતર્ક, સજાગ અને વધુ કડક થવુ પડશે. એટલુ જ નહી ત્રીજી લહેરની આશંકા પર પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર દરવાજાની સામે જ ઉભી છે. યુરોપ અને પશ્ચિમના દેશોમાં વધતા કેસ આપણા માટે ચેતવણીરૂપ છે. બાળકોને પણ સંક્રમણથી બચાવવા માટે આપણે સંપૂર્ણ તૈયારી પહેલેથી જ કરવી પડશે.