નવી દિલ્હીઃ વિદેશમંત્રી ડોક્ટર એસ.જયશંકર કોરોના પોઝિટીવ આવ્યા છે. આ જાણકારી વિદેશમંત્રી એસ.જયશંકરે ટ્વિટ કરી આપી હતી. જયશંકરે આજે ફ્રાન્સના વિદેશમંત્રી સાથે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેન્દ્રિય મંત્રીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટી થઇ છે. તાજેતરમાં જ મારા સંપર્કમાં આવેલા લોકોને કાળજી રાખવાની અપીલ કરું છું.
નોંધનીય છે કે દેશમાં કોરોનાની બેકાબૂ ગતિ હજુ પણ યથાવત છે. કોરોના ચેપના છેલ્લા 24 કલાક દરમિયાન, 2,86,384 નવા કેસ નોંધાયા છે જ્યારે 573 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 22 લાખ 2 હજાર 472 થઈ ગઈ છે. કોરોનાની પોઝીટીવીટી રેટ 16 ટકાથી વધીને 19.5 ટકા થઈ ગયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 14 લાખ 62 હજાર 261 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં 72 કરોડ 21 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.
આ પહેલા બુધવારે કોરોના વાયરસના 2 લાખ 85 હજાર 914 નવા કેસ નોંધાયા હતા અને 665 લોકોના મોત થયા હતા. ચાલો જાણીએ કે દેશભરમાં કોરોના ચેપના કેટલા નવા કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં 35,756 નવા કેસ, 79 દર્દીઓના મોત
બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 35,756 નવા કેસ નોંધાયા હતા અને રોગચાળાને કારણે 79 દર્દીઓના મોત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક દિવસમાં રાજ્યમાં ઓમિક્રોન નામના વાયરસને કારણે ચેપનો કોઈ નવો કેસ નોંધાયો નથી. બુલેટિન અનુસાર, નવા કેસ આવ્યા બાદ કુલ કેસ વધીને 76,05,181 થઈ ગયા છે. રાજ્યમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં 1,42,316 દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનથી ચેપના 2,858 કેસ નોંધાયા છે, જેમાંથી 1,534 દર્દીઓ સાજા થયા છે. હાલમાં રાજ્યમાં કોવિડના 2,98,733 દર્દીઓ સારવાર હેઠળ છે. બુલેટિન અનુસાર, મુંબઈમાં ચેપના 1,858 નવા કેસ નોંધાયા છે અને રોગચાળાને કારણે 13 દર્દીઓના મોત થયા છે.