નવી દિલ્હીઃ  કોરોનાથી બચાવ તથા ઈમ્યુનિટી વધારવા માટે હાલ ઘણા લોકો ગિલોયનું સેવન કરી રહ્યા છે. તેના સ્વાસ્થ્ય વર્ધક ગુણોના કારણે આ જડીબુટ્ટી અમૃત સમાન ગણવામાં આવી છે. પરંતુ તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે મુંબઈમાં ગત વર્ષે સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન ગિલોયનું સેવન કરવાથી લિવર ડેમેજ થયા હોવાના છ મામલા સામે આવ્યા હતા. હવે આયુષ મંત્રાલયે તેના પર કહ્યું કે, ગિલોયને લિવર ડેમેજ સાથે જોડવું ભ્રમ પેદા કરવા જેવું છે.


આયુષ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું, ગિલોય જેવી જડી-બુટ્ટી પર ઝેરીલી પ્રકૃતિનું લેબલ લગાવતાં પહેલા લેખકોએ દિશાનિર્દેશોનું પાલન કરીને છોડની યોગ્ય ઓળખ કરવાની કોશિશ કરવી જોઈતી હતી, જે તેમણે નથી કરી. આયુષ મંત્રાલયે જે પ્રેસ રિલીઝ જાહેર કરી છે તેમાં લખ્યું છે કે, જર્નલ ઓફ ક્લિનિક્લ એન્ડ એક્સપેરિમેંટલ હેપેટોલોજીમાં પ્રકાશિત એક રિસર્ચના આધારે એક મીડિયા રિપોર્ટ આવ્યો છે. જેમાં ગિલોય તરીકે ઓળખાતી જડી બુટ્ટી ટિનોસ્પોરા કોર્ડિફોલિયા (ટીસી)ના ઉપયોગતી મુંબઈમાં છ દર્દીના લિવર ફેલ થયા હોવાનું જણાવાયું છે.


પ્રેસ રિલીઝમાં આગળ લખવામાં આવ્યું છે કે, ગિલોયને લિવરના ક્ષતિ સાથે જોડવું પારંપરિક ચિકિત્સા પદ્ધતિ માટે ભ્રામક અને વિનાશકારી હશે. કારણકે આયુર્વેદમાં ગિલોયનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે. વિવિધ વિકારને દૂર કરવામાં ગિલોય સારું પરિણામ આપે છે. આયુષ મંત્રાલયે એમ પણ સ્પષ્ટ કર્યુ છે કે ગિલોય અને તેનો સુરક્ષિત ઉપયોગ પર સેંકડો રિસર્ચ કરવામાં આવ્યા છે. કોઈપણ ક્લિનિકલ સ્ટડીમાં ગિલોયના ઉપયોગથી આડઅસર થઈ હોવાનું સામે આવ્યું નથી.






ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર


દેશમાં સતત દસમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ આ દરમિયાન દેશમાં એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં 10 હજારનો વધારો થતાં ફરીથી ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,733 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં વધુ 930નાં મોત અને 47,240 લોકો સાજા થયા છે. ગઈકાલે 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ હતા. રિકવરી રેટ 97.18 ટકા છે.  દેશમાં સતત 54મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 6 જુલાઈ સુધી દેશભરમાં 36 કરોડ 13 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.