નવી દિલ્હીઃ કોગ્રેસના વરિષ્ઠ નેતાઓએ શનિવારે સાંજે નવી દિલ્હીમાં એક બેઠક કરી હતી. આ બેઠકમાં કર્ણાટકમાં  જેડીએસ અને કોગ્રેસની ગઠબંધન સરકાર પર મંડરાયેલા સંકટના વાદળોને લઇને ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ કોગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભાજપ પર કર્ણાટક સરકાર પાડવાનો આરોપ લગાવ્યો હતો. સુરજેવાલાએ કહ્યું કે, ભાજપ કર્ણાટકની સરકાર પાડવા માંગે છે. ભાજપ કોગ્રેસ અને જેડીએસની  જીત પચાવી શકી નથી. ધારાસભ્યોને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે. અમે ભાજપના કાવતરાની નિંદા કરીએ છીએ. સુરજેવાલાએ કહ્યું કે  લોકતંત્રને બજાર બનાવીને ખરીદ-વેચાણનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધન, બળ, ભય અને લાલચના માધ્યમથી ચૂંટાયેલી સરકારને પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કર્ણાટકમાં જે દિવસથી કોગ્રેસ-જેડીએસની સરકાર બની છે તે જ દિવસથી ભાજપને તે સહન થઇ રહ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક કોગ્રેસના અધ્યક્ષના નામ પર ચર્ચા માટે બોલાવવામાં આવી હતી.  જોકે, સુરજેવાલાએ તેનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, આ બેઠક પર કોગ્રેસ અધ્યક્ષના નામ પર ચર્ચા થઇ નથી પણ ફક્ત કર્ણાટકના રાજકીય સંકટ પર વાતચીત થઇ હતી. ખડગે કર્ણાટક જઇને ત્યાં ઉભી થયેલી સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરશે.