લખનઉઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ગુરુવારે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીના 125 ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ યાદીમાં એક્ટ્રેસ અર્ચના ગૌતમનું નામ પણ છે. અર્ચના ગૌતમ મેરઠ જિલ્લાના હસ્તિનાપુરથી ચૂંટણી લડવાની છે. કોંગ્રેસનો ગ્લેમરસ ચહેરો અર્ચના ગૌતમ 2018માં ‘મિસ બિકિની ઈન્ડિયા’ બની ચૂકી છે. યુપીમાં કોંગ્રેસે પહેલી યાદીમાં 40 ટકા ટિકિટ મહિલાઓને આપી છે.


અર્ચના ગૌતમ 2021ના નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાઈ હતી ને બે મહિનામાં જ પ્રિયંકાએ તેને ટિકિટ આપી દીધી છે. અર્ચના ગૌતમે 2016માં બોલિવૂડ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી કારકિર્દી શરૂ કરી હતી.  ત્યાર બાદ અર્ચના ગૌતમ 'હસીના પારકર', 'બારાત કંપની'માં જોવા મળી હતી.


અર્ચનાએ 'જંક્શન વારાણસી'માં આઇટમ ડાન્સ કર્યો હતો. અર્ચનાએ પંજાબી તથા હરિયાણવી મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. અર્ચનાએ તેલુગુ તથા તમિળ ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત અર્ચના વિવિધ મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. અર્ચના સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'બિકીની ગર્લ' તરીકે અત્યંત લોકપ્રિય છે. અર્ચનાને ટિકિટ અપાતાં એવી કોમેન્ટસ પણ થઈ રહી છે કે, અર્ચના ગૌતમને સાઉથની સન્ની લીયોની તરીકે ઓળખવામાં આવે છે. અર્ચના સાથિયા સાથ નિભાના, સીઆઈડી, કુબૂલ હૈ સહિતની ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે.


અર્ચના ગૌતમ 1 સપ્ટેમ્બર, 1995ના રોજ મેરઠમાં જન્મી છે. માત્ર 26 વર્ષની અર્ચના ગૌતમ એક્ટ્રેસ, મોડલ તથા બ્યૂટી પેજેન્ટ ઓર્ગેનાઈઝર તરીકે જાણીતી  છે. અર્ચના 2014માં મિસ ઉત્તર પ્રદેશ બની હતી. ત્યાર બાદ મિસ બિકીની ઇન્ડિયા, મિસ બિકીની યુનિવર્સ ઇન્ડિયા તથા મિસ બિકીની યુનિવર્સ સ્પર્ધામાં પણ વિજેતા બની હતી. અર્ચના ગૌતમે મિસ કોસમોસ વર્લ્ડ 2018 સ્પર્ધામાં ભારત વતી ભાગ લીધો હતો.


છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ સિંહ બઘલે અર્ચના ગૌતમને નવેમ્બર, 2021માં કોંગ્રેસની સભ્ય બનાવી હતી. આમ બે મહિનામાં જ તેને ટિકિટ મળી ગઈ છે.  2017માં હસ્તિનાપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિનેશ ખટીક જીત્યા હતા.