ઓડિયો ક્લિપમાં મૌલાના જમાતના લોકોને કહી રહ્યો છે કે તે સરકાર દ્ધારા જાહેર કરાયેલા દિશા નિર્દેશોનું પાલન કરે. મૌલાના સાદે કહ્યું કે, દુનિયામાં હાલમાં જે થઇ રહ્યુ છે તે માણસો દ્ધારા કરવામાં આવેલા ગુનાઓનું પરિણામ છે. આપણે ઘરોમાં રહેવું જોઇએ. આ એક જ રીત છે અલ્લાહના કહેરનો શાંત કરવાનો. લોકોએ ડોક્ટરોની સલાહ માનવી જોઇએ અને સરકારને સાથ આપવો જોઇએ. આપણા લોકો જ્યાં પણ હોય પોતાને અલગ કરી દો. આ ઇસ્લામ અને શરીયત વિરુદ્ધ નથી.
મૌલાના સાદ કોરોના સંક્રમિત હોઇ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુઝફ્ફરનગરથી લઇને અનેક સ્થળો પર તેની શોધ કરી રહી છે. પોલીસે તેને પકડવા માટે 14 હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. મૌલાના સાદ પર આરોપ છે કે તેણે મરકજ નિઝામુદ્દીનમાં લોકોને રહેવા માટે ઉશ્કેર્યા હતા. તેણે કોરોના વાયરસને લઇને સરકારે જાહેર કરેલા તમામ દિશા નિર્દેશનો નજરઅંદાજ કર્યા અને લોકોને પણ તેમ કરવા કહ્યુ. તેણે બિલ્ડિંગ ખાલી કરવાની પોલીસની બે નોટિસોને પણ નજરઅંદાજ કરી હતી.