Mizoram Election Result Date: મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું કે રવિવાર  (3 ડિસેમ્બર) ની જગ્યાએ સોમવાર  (4 ડિસેમ્બરે) મતની ગણતરી કરવામાં આવશે.  


મિઝોરમમાં મતદાન પહેલા જ મતગણતરીની તારીખ બદલવાની માંગ કરવામાં આવી હતી. આ અંગે તમામ પક્ષો એકમત હતા. માગણી કરનારાઓએ કહ્યું કે રવિવાર ખ્રિસ્તીઓ માટે પવિત્ર દિવસ છે. તેથી, ખ્રિસ્તી સમુદાયનું પ્રભુત્વ ધરાવતા રાજ્ય મિઝોરમમાં મત ગણતરીની તારીખ બદલવી જોઈએ. ભાજપ, કોંગ્રેસ અને શાસક એમએનએફ સહિત તમામ રાજકીય પક્ષો આ માંગ સાથે સંમત થયા હતા. 






રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો.આ માંગને લઈને તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે મિઝોના લોકો રવિવારે પૂજા કરવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે. આ પત્રમાં તમામ રાજકીય પક્ષો અને એનજીઓના પ્રમુખોની સહી પણ હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતુ કે મિઝોરમમાં રવિવારે કોઈ સત્તાવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવતુ નથી. 


પત્ર મોકલનાર પક્ષોમાં સત્તારૂઢ MNF, ભાજપ, કોંગ્રેસ, જોરમ પીપલ્સ મૂવમેન્ટ અને પીપલ્સ કોન્ફરન્સનો સમાવેશ થાય છે. MKHC , રાજ્યના અગ્રણી ચર્ચોના જૂથે પણ ચૂંટણી પંચને પત્ર મોકલીને મતગણતરી તારીખ બદલવાની વિનંતી કરી હતી.


પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી બાદ સમગ્ર દેશ 3 ડિસેમ્બરે યોજાનારી મતગણતરી માટે રાહ જોઈ રહ્યો છે. આ દરમિયાન ચૂંટણી પંચે મિઝોરમમાં પરિણામની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે અહીં મતગણતરી 3જી ડિસેમ્બરને બદલે 4 ડિસેમ્બરે થશે.


આ વખતે મિઝોરમ વિધાનસભાની ચૂંટણી ઘણી રસપ્રદ રહી છે. મિઝોરમમાં હાલમાં ઝોરામથાંગાના નેતૃત્વમાં મિઝો નેશનલ ફ્રન્ટનું શાસન છે. હાલમાં મિઝો નેશનલ ફ્રન્ટ એનડીએ ગઠબંધનનો એક ભાગ છે.


મિઝોરમ એ પાંચ રાજ્યોમાંનું એક છે જ્યાં આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. મિઝોરમ વિધાનસભામાં કુલ 40 બેઠકો છે અને અહીં સત્તા મેળવવા માટે બહુમતીનો આંકડો 21 છે. મિઝોરમમાં 7 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું.