IL&FS કેસઃ EDએ રાજ ઠાકરેની સાડા આઠ કલાક પૂછપરછ કરી
abpasmita.in | 22 Aug 2019 10:13 PM (IST)
ઇડી ઓફિસમાં તપાસ અધિકારીઓએ રાજ ઠાકરેની અનેક કલાકો સુધી પૂછપરછ કરી હતી
નવી દિલ્હીઃ કોહિનૂર ઇમારત મામલામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના વડા રાજ ઠાકરેની ઇડીએ લગભગ સાડા આઠ કલાક પૂછપરછ કરી હતી. રાજ ઠાકરે સાથે તેમનો દીકરો અમિત ઠાકરે અને દીકરી ઉર્વશી પણ ઇડી ઓફિસ સુધી ગયા હતા. ઇડી ઓફિસમાં તપાસ અધિકારીઓએ રાજ ઠાકરેની અનેક કલાકો સુધી પૂછપરછ કરી હતી. અમિત અને ઉર્વશી ઓફિસમાં ગયા નહોતા પરંતુ નજીકની હોટલમાં રોકાયા હતા. આ વચ્ચે સામાજિક કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અંજલિ ધમાનિયા રાજ ઠાકરેને લઇને એક ટ્વિટ કર્યું હતું. જેને કારણે તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. તેમણે મરાઠીમાં એક ટ્વિટ કરી રાજ ઠાકરેને ઇડી ઓફિસ ગયા તેના પર ટિપ્પણી કરી હતી અને પૂછ્યુ હતું કે તે તપાસ માટે જઇ રહ્યા છે કે પછી સત્યનારાયણની પૂજા માટે. આ ટ્વિટ બાદ તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સમર્થકોએ તેમને નિશાન બનાવ્યા હતા. આ અગાઉ મહારાષ્ટ્ર પોલીસ કાર્યવાહી શરૂ કરી હતી. ઇડી ઓફિસ જતા તમામ રસ્તાઓ ખાલી કરી દેવાયા હતા અને આસપાસના વિસ્તારોમાં કોઇ પણ પ્રકારની ગાડીઓના અવરજવર પર પ્રતિબંધ લગાવાયો હતો. તે સિવાય મુંબઇના દાદર, મરીન, એમઆરએ અને આઝાદ મેદાનમાં કલમ 144 લાગુ કરી દેવાઇ હતી.