મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શેડો કેબિનેટનું ગઠન કર્યું છે. આ કેબિનેટમાં તેમણે દિકરા અમિતને પ્રવાસન મંત્રી બનાવ્યા છે. આ પ્રકારે તેઓએ પોતાની કેબિનેટમાં પુત્ર અમિત ઠાકરેને એ જ મંત્રાલય આપ્યું છે જે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાની સરકારમાં પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને આપ્યું છે.


મહારાષ્ટ્ર સરકારમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દિકરા આદિત્ય ઠાકરે પ્રવાસન મંત્રી છે. હવે અમિત ઠાકરે પોતાના પિતરાઇ ભાઇ આદિત્ય ઠાકરેના કામકાજ પર નજર રાખશે અને રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે નીતિઓ નક્કી કરશે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે પ્રતિસ્પર્ધા જુની છે. બાલા સાહેબ ઠાકરેના સમય દરમિયાન રાજ ઠાકરે શિવસેનાના કદાવર નેતા મનાતા હતા. જોકે, રાજકીય મહત્વાકાંક્ષાના ટકરાવમાં બંને ભાઇઓના રસ્તાઓ અલગ થઇ ગયા. ત્યારબાદ 9 માર્ચે 2006એ રાજ ઠાકરેએ શિવસેનાથી અલગ થઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામથી અલગ પાર્ટી બનાવી લીધી હતી.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 14માં સ્થાપના દિવસ પર એમએનેસ અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતાની પાર્ટીની શેડો કેબિનેટ બનાવવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ ગઠબંધન સરકારના કામકાજ પર નજર રાખવા માટે આ શેડો કેબિનટ તૈયાર કરવામાં આવી છે.