નવી દિલ્હી : મધ્ય પ્રદેશમાં ફરી એક વખત રાજકીય સંકટ ઉભુ થયું છે. કમલનાથ સરકારના 6 મંત્રીઓ સહિત 17 ધારાસભ્યો બગાવત કરી બેંગલુરૂ પહોંચી ગયા છે. બે મંત્રીઓ પહેલાથી જ ત્યાં હાજર હતા. આ ધારાસભ્યોને ત્રણ ચાર્ટર પ્લેનની મદદથી દિલ્હીથી બેંગલુરૂ લઈ જવામાં આવ્યા છે. આ તમામ મંત્રીઓ અને ધારાસભ્યો આશરે 3.30 વાગ્યે બેંગલુરૂ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ તમામ મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંઘિયા ગ્રુપના હોવાનું માનવામાં આવી રહ્યું છે.


મુખ્યમંત્રી કમલનાથ આજે નવી દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા અને બાદમાં તાબડતોબ ભોપાલ જવા રવાના થઈ ગયા હતા. સિંધિયા સમર્થક મંત્રીઓ અને ધારાસભ્યોના ફોન બંધ આવી રહ્યા છે. જે કમલનાથ સરકાર પર સંકટનો ઇશારો કરે છે.

આ સાથે જ જે 17 ધારાસભ્યો ચાર્ટર પ્લેનની મદદથી દિલ્હીથી બેંગલુરૂ પહોંચ્યા છે તેમના નામ છે. રાજવર્ધન સિંહ, ઓપીએસ ભદોરિયા,ગિરિરાજ દંતોડિયા, બિજેંદ્ર યાવદ,જસપાલ જજ્જી,રણવીર જાટવ,કમલેશ જાટવ,જસવંત જાટવ,રક્ષા સિરોનિયા,મુન્ના લાલ ગોયલ,સુરેશ ધાકડ,રધુરાજ કસાના,હરદીપ સિંહ ડંગ

આ ધારાસભ્યોમાંથી હરદીપ સિંહ ડંગ તો પોતાનું રાજીનામું પણ વિધાનસભા અધ્યક્ષને મોકલી ચૂક્યા છે, પરંતુ અન્ય એક ધારાસભ્ય બિસાહૂ લાલ સિંહ બેંગલુરૂથી ભોપાલ પરત આવી ગયા હતા. ભાજપ સુત્રોનુ કહેવું છે કે બિસાહૂ લાલ સિંહ તેમની સાથે છે.

માનવામાં આવી રહ્યું છે કે 16 માર્ચથી શરૂ થઈ રહેલા મધ્યપ્રદેશ વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ભાજપ કમલનાથ સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે અને આ ધારાસભ્યોની મદદથી અવિશ્વાસ પ્રસ્તાવને પાસ કરાવી કમલનાથ સરકારને પાડવામાં આવશે.