ઓપરેશન સિંદૂર બાદ દેશના પાંચ રાજ્યમાં મોકડ્રીલ યોજાશે. આવતીકાલે સાંજે 5થી 8 દરમિયાન મોકડ્રીલ યોજાશે. રાજસ્થાન, પંજાબ, ગુજરાત, હરિયાણા અને જમ્મૂ-કશ્મીરમાં મોકડ્રીલ યોજાશે. ગુજરાતમાં મોકડ્રીલને લઈ રાજ્ય સરકાર સાંજે પ્રેસ કરી શકે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 3300 કિલોમીટરથી વધુની સરહદ છે. જમ્મુ અને કાશ્મીરને અડીને આવેલી સરહદને નિયંત્રણ રેખા (LoC) કહેવામાં આવે છે. જ્યારે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતને અડીને આવેલી સરહદને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) કહેવામાં આવે છે.

અગાઉ પણ કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ 6-7 મેની રાત્રે ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર લશ્કરી કાર્યવાહી કરી હતી. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલો કર્યો હતો, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. પરંતુ પાકિસ્તાનના વધુ 12 આતંકવાદી ઠેકાણાઓની યાદી તૈયાર છે. આતંકવાદના મૂળને ખતમ કરવા માટેનું ઓપરેશન PoK થી પાકિસ્તાનની અંદર સુધી ચાલી રહ્યું છે.

PAKમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા

ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. ભારતે ફક્ત નવ આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા છે. અગાઉ, ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદના બાકીના ઠેકાણાઓને પણ ખતમ કરવામાં આવશે. ભારત આ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતના સરહદી વિસ્તારોમાં હવાઈ સંરક્ષણ પ્રણાલી એલર્ટ પર છે. નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના ગોળીબારને જોઈને સેનાએ કાશ્મીરના 10 જિલ્લાઓમાં નિયંત્રણ કેન્દ્રો સ્થાપ્યા છે.

આતંકવાદની કમર તોડવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળના સંયુક્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા તે બહાવલપુર, મુરીદકે, ગુલપુર, ભીમ્બર, ચાક અમરુ, બાગ, કોટલી, સિયાલકોટ અને મુઝફ્ફરાબાદ છે. બહાવલપુરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક અને મુરીદકેમાં લશ્કર-એ-તૌયબાના મુખ્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું હતું.

ઓપરેશન સિંદૂર શું હતું?

22 એપ્રિલના રોજ પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. લગભગ 25 મિનિટ સુધી ચાલેલા આ ઓપરેશનમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમા 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૌયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓને ઉડાવી દીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ઓપરેશનમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.