નવી દિલ્હીઃ નાણામંત્રી અરુણ જેટલીએ આજે જમ્મુ કાશ્મીરને લઇને મોટી જાહેરાત કરી હતી. જેટલીએ કહ્યુ કે, જમ્મુ કાશ્મીર રિઝર્વેશન બિલ 2019ને કેબિનેટે મંજૂરી આપી છે. જમ્મુ કાશ્મીરમાં પણ 10 ટકા સવર્ણ અનામત લાગુ કરવાને મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણય બાદ જમ્મુ કાશ્મીરમાં પણ સવર્ણ અનામત લાગુ થશે. આ બિલને લાગુ કર્યા બાદ સરહદ પર રહેલા લોકોને હવે અનામતનો લાભ મળશે.


અરુણ જેટલીએ કહ્યું કે, કેબિનેટે ગુજરાતના રાજકોટમા હિરાસર સ્થિત નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણને મંજૂરી આપી દેવામાં આવી છે. જેના નિર્માણમાં 1405 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સાથે કેબિનેટમાં કાનપુર મેટ્રો પ્રોજેક્ટ અને આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.


વટહુકમ જાહેર થયા બાદ ઇન્ટરનેશનલ સરહદ પાસેના વિસ્તારમાં રહેતા લોકોને અનામતનો લાભ મળશે. જમ્મુ કાશ્મીરને લઇને બીજા ચુકાદામાં કેબિનેટમાં જમ્મુ કાશ્મીરના નાગરિકતા માટે બંધારણમાં સંશોધનનો આદેશને મંજૂરી આપવામાં આવી છે. જેટલીએ કહ્યું કે, કેબિનેટે સતલજ જળ વિકાસ નિગમ લિમિટેડ દ્ધારા અરુણ-3 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના ટ્રાન્સમિશન કંપોનન્ટ માટે રોકાણનો પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે હરિયાણાના મનેઠીમાં નવી એઇમ્સને મંજૂરી આપી છે.