Farm Laws Withdrawn: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે રાષ્ટ્રજોગ સંબોધન કરીને ત્રણ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. હવે સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ, મોદી કેબિનેટ બુધવાર, તા. 24 વનેમ્બરે આ કાનૂનને પરત લેવા મંજૂરી આપી દેશે. જે બાદ 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં જ કાનૂન પરત લેવાની બંધારણીય પ્રક્રિયા શરૂ થઈ જશે.
સંસદીય નિયમો પ્રમાણે, કોઈ પણ જુના કાનૂનને પરત લેવાની પ્રક્રિ. નવા કાનૂનને બનાવવા જેવી જ છે. જે રીતે કોઈ નવો કાનૂન બનાવવા માટે સંસદના બંને ગૃહમાં બિલ પસાર કરવું પડે છે તેવી જ રીતે જૂના કાનૂનને પરત લેવા કે સમાપ્ત કરવા માટે સંસદના બંને ગૃહમાં બિલ પસાર કરવું પડે છે. બીજા અર્થમાં કહીએ તો એક નવો કાનૂન બનાવીને જ જૂના કાનૂનને રદ્દ કરી શકાય છે.
સત્ર શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં જ પરત લેવામાં આવી શકે છે કાનૂન
પીએમની જાહેરાત બાદ 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદ સત્રમાં લોકસભા કે રાજ્યસભામાં ત્રણ કાનૂન માટે ત્રણ અલગ-અલગ કે ત્રણેય માટે એક જ બિલ રજૂ કરવામાં આવશે. જે રજૂ થયા બાદ ચર્ચા કે ચર્ચા વગર બિલ પહેલા એક લોકસભામાં અને પછી રાજ્યસભામાં પાસ થયા બાદ મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ ત્રણેય કૃષિ કાનૂન નાબૂદ થઈ જશે. બિલ પાસ થવામાં કેટલો સમય લાગશે તે સરકારની પ્રાથમિકતા પર નિર્ભર કરશે. જોકે પીએમની જાહેરાતથી એવો અંદાજ લગાવવામાં આવે છે કે બંને ગૃહમાં બિલ પસાર કરીને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. આશા છે કે સત્ર શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં જ ત્રણેય કૃષિ કાનૂન પરત લેવામાં આવશે.
જરૂર પડશે તો ફરી કૃષિ કાનૂન બનાવીશું: રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર
જયપુરઃ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ કૃષિ કાનૂનને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો જરૂર પડશે તો ફરી કાનૂન બનાવીશું. મીડિયા સાથે વાત કરતાં તેમણે કાનૂનને પરત લેવાનો ફેંસલો પ્રશંસનીય પગલું ગણાવીને કહ્યું, આ કાનૂન ખેડૂતોના હિતમાં હતા. સરકાર ખેડૂતોનો સતત સમજાવાની કોશિશ કરતી હતી પરંતુ તેમ છતાં ખેડૂતો ટસ ના મસ ન થતાં કાનૂન પરત લેવામાં આવ્યા હતા. જો આગળ જઈને કાનૂન બનાવવાની ફરી જરૂર પડી તો બનાવીશું. હાલ તેને પરત લઈ લેવામાં આવ્યા છે.