નવી દિલ્હીઃ કોરોના વાયરસનો સામનો કરવા માટે ભારત સતત પ્રયાસ કરી રહ્યું છે.  શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી તમામ સાર્ક દેશોને આ વાયરસ વિરુદ્ધ એક થઇને લડાઇ લડવા માટે કહ્યુ હતું. ત્યારબાદ હવે અનેક દેશોએ ભારતીય વડાપ્રધાનના અભિયાનને સમર્થન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે તમામ દેશો સાથે વાતચીત કરવાની શરૂઆત કરવા કહ્યુ હતું.




વડાપ્રધાન નરેન્દ્ર  મોદીની અપીલ બાદ શ્રીલંકા, ભૂટાન અને માલદીવના રાષ્ટ્રઅધ્યક્ષોએ પ્રતિક્રિયા આપી છે. શ્રીલંકાઇ રાષ્ટ્રપતિ ગોટબયા રાજપક્ષેએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કોરોના વાયરસના મામલા પર શ્રીલંકા વાત કરવા તૈયાર છે. વડાપ્રધાન મોદીએ આવા સમયમાં શાનદાર અભિયાનની શરૂઆત કરી છે.



ભૂટાને વડાપ્રધાન લોતેય ત્શેરિંગે પણ વડાપ્રધાન મોદીના અભિયાનનું સમર્થન કર્યું છે. તેમણે પોતાના ટ્વિટર પર લખ્યુ કે આને જ નેતૃત્વ કહે છે. ક્ષેત્રના સભ્ય તરીકે આપણે સાથે આવવું જોઇએ. નહી તો ઇકોનોમીને નુકસાન થઇ શકે છે. હું આ વીડિયો કોન્ફરન્સ માટે તૈયાર છું.



માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહે પણ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો અને ટ્વિટમાં લખ્યુ કે, કોરોના વાયરસને હરાવવા માટે તમામે એકસાથે આવવાની જરૂર છે. અમે ક્ષેત્રીય એકતા દેખાડવાના અભિયાનનું સમર્થન કરીએ છીએ. નેપાળના વડાપ્રધાન કેપી શર્માએ વડાપ્રધાનના આ પ્રસ્તાવ પર કહ્યું કે, અમારી સરકાર આ અભિયાનનો સાથ આપવા માટે તૈયાર છીએ.



નોંધનીય છે કે શુક્રવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ મુદ્દે ટ્વિટ કરી  જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે હાલમાં આખી દુનિયા લડાઇ લડી રહી છે. દક્ષિણ એશિયાના દેશોમાં પણ તેની અસર દેખાઇ રહી છે. એવામાં સાર્ક દેશોના વડાઓને અપીલ કરું છું કે તે કોરોના વાયરસ સામે લડવા માટે એક સાથે આવે. તેમણે પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે વીડિયો કોન્ફરન્સ મારફતે સાર્ક દેશોના વડાઓ આ મુદ્દાનો સામનો કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરી શકે છે. અમે એક સાથે મળીને દુનિયા માટે એક ઉદાહરણ  પુરુ પાડી શકીએ છીએ.