નવી દિલ્લીઃ દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ જોરદાર ઉછાળો નોંધાયો છે ત્યારે કેન્દ્ર સરકારે કોરોનાને રોકવા માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સક્રિય થયા છે અને મોદીએ ગુરૂવારે કોરોનાને રોકવા માટે પગલાં લેવા મુદ્દે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી છે.
મોદીની ઉચ્ચ કક્ષાની બેઠક બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને સાત આદેશ આપ્યા છે. ગુરૂવારે મળેલી બેઠકમાં કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી આપી કે, દેશમાં ફરી કોરોના વાયરસ મહામારીનો થતરો વદી શકે છે અને ત્રીજી લહેર આવી શકે છે.
કેન્દ્ર સરકારે ડર રજૂ કર્યો છે કે, સતર્ક નહીં રહેવાય તો ખતરનાક પરિણામો આવી શકશે. કેન્દ્ર સરકારે આપેલા આદેશના પગલે ગુરૂવારે સાંજ સુધીમાં અનેક રાજ્યોએ પોતાને ત્યાં કડક પ્રતિબંધ જાહેર કર્યા છે. મોટા ભાગનાં રાજ્યોએ ક્રિસમસ અને ન્યૂયરના સેલિબ્રેશન પર રોક લગાવી દીધી છે. મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં હવે નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયો છે, જ્યારે અનેક રાજ્યોએ પોતાને ત્યાં કડક પ્રતિબંધો મૂકી દીધા છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને નીચેના સાત આદેશ આપ્યો છે
પહેલો આદેશ એ છે કે, સંક્રમિત લોકોની વધતી સંખ્યાને લઈને વધુ સતર્કતા રાખવામાં આવે.
બીજો આદેશ એ છે કે, સંક્રમણ દર બમણો ન થાય અને પોઝિટિવ કેસના નવા કલસ્ટર વધુ ન બને તેના પર વધુ ફોકસ કરે.
ત્રીજો આદેશ એ છે કે, ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને સ્થાનિક લેવલે પ્રતિબંધ અને જરૂર પડે તો નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવે.
ચોથો આદેશ એ છે કે, કોવિડ-19 કેસના નવા કલસ્ટર્સમાં કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન નોટિફાઈ કરીને પ્રતિબંધો લગાવવામાં આવે.
પાંચમો આદેશ એ છે કે, કોરોના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ 100% સુધી ઝડપથી પહોંચે તેવા પ્રયાસ વધારવામાં આવે.
છઠ્ઠો આદેશ એ છે કે, જે રાજ્યોમાં કોરોના વેક્સિનેશનની દર નેશનલ એવરેજથી ઓછી છે, ત્યાં ડોર-ટૂ-ડોર કેમ્પેઈન ચલાવવામાં આવે.
સાતમો આદેશ એ છે કે, જે રાજ્યોમાં ચૂંટણીઓ થવાની છે ત્યાં કોવિડ-19ની વેક્સિન મોટા પાયે આપવામાં આવે.