Over 80 Cr People to Get Free Food : કોરોના વાયરસના ભણકારા વચ્ચે મોદી સરકાર સક્રિય બની છે. મોદી સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી ગરીબોને મફ્ત અનાજ આપવાનું યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ગરીબોને મફત અનાજ આપવા અંગે કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણય કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે, સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના 80 કરોડ લોકોને એક વર્ષ માટે મફત રાશન લંબાવ્યું છે.
આજે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય વિષે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, સરકાર તરફથી 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના લંબાવવામાં આવી છે. તેનાથી કેન્દ્ર સરકાર પર 2 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ગરીબોને રાશન માટે એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં. સરકાર આ યોજના પર દર વર્ષે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે.
કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, સરકાર અનુક્રમે 3,2,1 રૂપિયા પ્રતિ કિલોના દરે ચોખા, ઘઉં અને બરછટ અનાજ આપે છે. આ મામલે મોદી સરકારે નિર્ણય લીધો છે કે, ડિસેમ્બર 2023 સુધી તે સંપૂર્ણપણે મફત રહેશે.
અગાઉ કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં સરકારે આ યોજનાની સમયમર્યાદા ત્રણ મહિના માટે વધારીને 31 ડિસેમ્બર સુધી કરી હતી. આ યોજના કોવિડના સમયે ગરીબ લોકોને રાહત આપવા માટે લાવવામાં આવી હતી. છેલ્લા 28 મહિનામાં સરકારે ગરીબોને મફત રાશન પર 1.80 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
કોરોના મહામારીમાં શરૂ કરાયેલી આ યોજના
કોવિડ કટોકટી દરમિયાન માર્ચ 2020માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લાગુ કરવામાં આવી હતી. દેશના 80 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળે છે. આ અંતર્ગત બીપીએલ કાર્ડ પરિવારોને દર મહિને વ્યક્તિ દીઠ 4 કિલો ઘઉં અને 1 કિલો ચોખા મફત આપવામાં આવે છે. આ યોજના છેલ્લા કેટલાક મહિનાઓથી લંબાવવામાં આવી રહી છે.
અગાઉ આ યોજના 3 મહિના માટે લંબાવવામાં આવેલી
આ યોજના પ્રથમ તબક્કામાં 3 મહિના એટલે કે એપ્રિલ-જૂન 2020 માટે માર્ચ 2020માં લાગુ કરવામાં આવી હતી. અત્યાર સુધી આ યોજનાના 7 તબક્કાઓ છે. માર્ચ 2022માં તેને 6 મહિના માટે એટલે કે સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો.ત્યાર બાદ ત્રણ મહિના એટલે કે ડિસેમ્બર અને હવે કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને એક વર્ષ માટે લંબાવી છે.