નવી દિલ્હીઃ રાંધણ ગેસ (LPG Gas) સિલિન્ડર વિશે નિયમમાં ફેરફાર થવાનો છે. એક નવેમ્બરથી નવો નિયમ લાગુ થઈ શકે છે. LPG સિલિન્ડરની હોમ ડિલિવરી (LPG Cylinder Home Delivery) ની આખી સિસ્ટમ હવે બદલવા જઈ રહી છે. સરકારી ઓઈલ કંપનીઓએ તેની તૈયારી કરી લીધી છે. આગામી મહિનાથી ડિલિવરી માટે નવી સિસ્ટમ લાગુ થશે. આવામાં જો તમે ઘરે બેઠા ગેસ સિલિન્ડર મંગાવતા હોવ તો આ માહિતી તમારા માટે જરૂરી છે.


કંપનીઓએ નવી સિસ્ટમને ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ(DAC) સાથે જોડવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં માત્ર બુકીંગ કરાવી લેવાથી ભરેલા સિલિન્ડરની ડિલીવરી નહી થાય પરંતુ તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક કોડ મોકલવામાં આવશે. આ કોડને જયાં સુધી તમે ડિલીવરી બોયને નહીં દેખાડો ત્યાં સુધી ડિલીવરી પૂરી થશે નહીં.

જો કે કેટલાક ગ્રાહકો એવા પણ છે જેણે ડિસ્ટ્રીબ્યુટરને મોબાઈલ નંબર અપડેટ નથી કરાવ્યાં તો ડિલીવરી બોયની પાસે રહેલી એપ્લીકેશનથી તમે રીયલ ટાઈમ તમારો નંબર અપડેટ કરાવી શકો છો. તે બાદ એક કોડ જનરેટ કરી શકશો.

ઓઈલ કંપનીઓ આ નવી ડિલિવરી સિસ્ટમને સૌથી પહેલા 100 સ્માર્ટ સિટીમાં લાગુ કરશે. આ પાયલટ પ્રોજેક્ટ તરીકે રહેશે. ધીરે ધીરે દેશના બીજા ભાગમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હાલ બે શહેરોમાં આ સિસ્ટમ પાયલટ પ્રોજેક્ટ તરીકે ચાલે છે. જણાવી દઈએ કે આ સિસ્ટમ કોમર્શિયલ સિલિન્ડર ઉપર લાગુ નહીં થાય માત્ર ડોમેસ્ટિક માટે નિયમો લાગુ કરવામાં આવશે.