ચેન્નઇ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચેન્નઇમાં ભારતીય સેનાને 118 અર્જુન ટેન્ક સોંપી હતી. પીએમ મોદીએ તમિલનાડુમાં 3,770 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ચેન્નઇ મેટ્રો રેલ ફેજ-1 એક્સટેન્શનનું ઉદઘાટન કર્યું. આ દરમિયાન આર્મી ચીફ એમ.એમ. નરવણે પણ હાજર રહ્યા હતા. આ ટેન્કને DRDOએ 8400 કરોડના ખર્ચે તૈયાર કરી છે.



પ્રધાનમંત્રી મોદીએ પુલવામાં હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે આજનો દિવસ કોઈ ભારતીય ભૂલી શકે નહીં. આજથી બે વર્ષ પહેલાં આજના જ દિવસે પુલવામામાં હુમલો થયો હતો. અમે તે બધા શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે તે હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. અમને આપણા સુરક્ષા દળો પર ગર્વ છે. તેમની હિંમત આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. આજે મેં દેશમાં બનાવેલ અને ડિઝાઇન કરેલી અર્જુન મેન બેટલ ટેન્કને સોંપી છે.

પ્રધાનમંત્રી મોદીએ ચેન્નઇમાં કહ્યું, "વણક્ક્મ ચેન્નઈ, વણક્ક્મ તમિલનાડુ. આ શહેર ઉર્જા અને સકારાત્મકતાથી ભરેલું છે. અહીં હાર્દિક સ્વાગત માટે આભાર. તમારા પ્રેમ અને સ્નેહથી અભિભૂત થયો. અમે ચેન્નાઇમાં 3 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આ પ્રોજેક્ટ દેશના વિકાસનું પ્રતીક છે. તે તમિલનાડુનો વિકાસ દર્શાવે છે.

પીએમ મોદીએ તમિલનાડુના ખેડૂતોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે હું ખાદ્ય ઉત્પાદન અને જલ સંસાધનોના સારા ઉપયોગ માટે તમિલનાડુના ખેડૂતોની પ્રશંસા કરવા માંગુ છું.

પીએમ મોદીએ કહ્યું કે કોરોના મહામારી છતાં તમામ પ્રોજેક્ટને સમયસર પુરા કરવામાં આવ્યા. આ મોટી વાત છે. ચેન્નઇનો મેટ્રો રેલ પ્રોજેક્ટ ઝડપથી મોટો થઇ રહ્યો છે. શહેરોના ટ્રાંસપોર્ટ પર સરકારનું ફોકસ જીવનશૈલી સરળ બનાવશે.