નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુઘ્ન સિન્હાએ પ્રધાનમંત્રી મોદી પર કટાક ક્ષ કર્યો છે. તેમણે ટ્વિટર પર બે તસવીર શેર કરી જેમાં લખ્યું છે કે, આ દુનિયામાં બે લોકોને શોધવા અશક્ય છે. એક મોદીના ક્લાસમેટ અને બીજા તે ગ્રાહક જેને મોદીના હાથની ચા પીધી હોય. બીજી ક્લિપમાં લખ્યું છે કે, ભૂલ પીઠ જેવી હોય છે જે પોતાના સિવાય બધાને દેખાય છે. જોકે, તેમણે લખ્યું કે, “થાકેલ રવિવારના આ દિવસે આ બે ક્લિપથી રિલેક્સ રહો અને મજા કરો...હસવું સ્વાસ્થ્ય માટે સારું હોય છે.”


શત્રુઘ્ન સિંહા કેન્દ્રની અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને 1990થી 2015 સુધી ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક રહ્યા હતા પરંતુ મતભેદો બાદ તેમણે 2019માં ભાજપ છોડી દીધી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસની ટિકિટ પર પટનાથી ચૂંટણી લડી હતી પરંતુ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે તેમને હાર આપી હતી. હાલની બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમના દીકાર લવ સિન્હાને કોંગ્રેસે પટનાની બાંકીપુર સીટથી ઉમેદવાર બનાવ્યા છે.