નવી દિલ્લીઃ નરેન્દ્ર મોદી સરકારે દેશમાં લોકડાઉન ઉઠાવી લઈ ‘અનલોક 1’ જાહેર કર્યું પછી કોરોનાના કેસ વધ્યા છે. મોદી સરકાર આ સમસ્યાને ઉકેલવા મથી રહી છે અને તેના ભાગરૂપે આજે મંગળવારે નરેન્દ્ર મોદી દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરવાના છે.


આ બેઠકમાં ‘અનલોક 2’ અંગે ચર્ચા કરાય તેવી શક્યતા છે ત્યારે બીજી તરફ ત્યારે દેશભરમાં વધી રહેલા કેસોના કારણે ફરી લોકડાઉન લદાશે એવા મેસેજ વાયરલ થયા છે. આ વાયરલ મેસેજમાં દાવો કરાયો છે કે, મોદી સરકાર દ્વારા  દેશભરમાં 18 જૂનથી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે અને લોકડાઉન ઉઠાવી લેવાયું એ વખતે અપાયેલી સંખ્યાબંધ છૂટછાટો પાછી ખેંચી લેવાશે. આ વખતે કડક લોકડાઉન લાદવામાં આવશે એવો મેસેજ એક જાણીતી નેશનલ ચેનલની બંગાલી ભાષાની ચેનલના હવાલાથી કરાયો છે.

મોદી 16 અને 17 જૂને બે તબક્કામાં દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરવાના છે. તેના બીજા જ દિવસે લોકડાઉન લદાશે એ પ્રકારના મેસેજ વાયરલ થયા છે.

ભારત સરકારે આ દાવાને સંપૂર્ણ ખોટો ગણાવ્યો છે. ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે, દેશમાં ફરી લોકડાઉ લદાશે એવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ મેસેજ સાવ ખોટો અને આધારહીન છે. કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના નથી તેથી લોકોએ આવી અફવાઓ ફેલાવનારાંથી સાવચેત રહેવું.

ભારત સરકાર વતી પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) ફેક્ટ ચેક દ્વારા આ વાયરલ મેસેજની તસવીર મૂકીને તે નહીં માનવા લોકોને અપીલ કરાઈ છે. આ મેસેજ સામે કેટલાંક લોકોએ કોમેન્ટ્સ પણ કરી છે.