નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 8 જૂનથી ધર્મસ્થાનો, શોપિંગ મોલ અને રેસ્ટોરંટ્સ ખોલવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરૂવારે આ અંગેની ગાઈડલાઈન બહાર પાડી છે.


આ ગાઈડલાઈન પ્રમાણે ધર્મસ્થાનોમાં લોકોને પ્રવેશ તો મળશે પણ બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અંતર હોવું જરૂરી છે. આ ગાઈડલાઈન અનુસાર દરેક વ્યક્તિ ધર્મસ્થાનમાં નહીં પ્રવેશી શકે પણ ફેસ માસ્ક પહેરેલા લોકોને જ મંદિરમાં પ્રવેશવા દેવાશે. આ ઉપરાંત બૂટ, ચપ્પલ મંદિર સુધી નહીં લઈ જઈ શકાય. શ્રદ્ધાળુઓએ બૂટ-ચપ્પલપોતે ગાડીમાં ઉતારવા પડશે. જો કારની વ્યવસ્થા ન હોય તો ધર્મસ્થાનનાપરિસરથી દૂર પોતાની દેખરેખમાં રાખવા પડશે.

આ સિવાય ધર્મસ્થાનોના સંચાલકોએ ધાર્મિક સ્થળો પર એક સાથે મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય એવી વ્યવસ્થા કરવી પડશે અને દરેકને એકબીજા સાથે ઓછામા ઓછું 6 ફુટનું અંતર બનાવવું પડશે. ધાર્મિક સ્થળમાં પ્રવેશદ્વાર પર હાથ સેનિટાઇઝ કરવાની વ્યવસ્થા હોવી જોઇએ. દરેક શ્રદ્ધાળુના શરીરનું તાપમાન માપવા થર્મલ સ્ક્રિનિંગ જરૂરી છે. કોરોનાં લક્ષણો વિનાના શ્રદ્ધાળુને જ પ્રવેશ આપવામા આવશે. જો કોઇને ઉધરસ, શરદી કે તાવ હોય તો તેને તાત્કાલિક અટકાવી દેવામાં આવશે. ફેસ માસ્ક પહેરેલા લોકોને જ પ્રવેશ મળશે. કોવિડ-19થી જોડાયેલી માહિતી વાળા પોસ્ટર, બેનર ધાર્મિક સ્થળના પરિસરમાં લગાવવા પડશે. વીડિયો પણ પ્લે કરવો પડશે.

એક સાથે વધારે ભાવિકો ન પહોંચે તેથી સૌને અલગ અલગ કરવાનો પ્રયત્ન કરવાની તાકીદ પણ અપાઈ છે.