નવી દિલ્હી:  સમગ્ર વિશ્વમાં મંકીપોક્સના વધતા જોખમ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે ભારતમાં તેની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. મિટિંગ બાદ મંત્રાલયે કહ્યું કે હાલમાં ભારતમાં મંકિપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી. જો કે, મંત્રાલયે કહ્યું છે કે રોગના ફેલાવાને રોકવા અને નિયંત્રણ કરવા માટે સાવચેતીનાં પગલાં લેવામાં આવશે.


સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ સમીક્ષા બેઠકમાં આવનારા દિવસોમાં કેટલાક કેસની સંભાવનાને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી નહોતી, ત્યારે એવું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કે ભારત માટે મોટા પ્રકોપનું  જોખમ હાલમાં ઓછું છે. 






આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "WHOએ 2022 માં પ્રથમ વખત આ પ્રકોપને આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટી જાહેર કરી હતી, એટલે  ભારતમાં કુલ 30 કેસ મળી આવ્યા હતા અને છેલ્લો કેસ  માર્ચમાં સામે આવ્યો હતો. 


નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી. મંત્રાલય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 14 ઓગસ્ટના રોજ ફરીથી મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કર્યા પછી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં પરિસ્થિતિ અને તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી.


બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સાવચેતીના પગલા તરીકે તમામ એરપોર્ટ, બંદરો અને ગ્રાઉન્ડ ક્રોસિંગ પર આરોગ્ય એકમોને સંવેદનશીલ બનાવવા, પરીક્ષણ પ્રયોગશાળાઓની તૈયારી, તપાસ માટે આરોગ્ય સુવિધાઓની તૈયારી, કોઈ પણ કેસને અલગ રાખવા અને વ્યવસ્થાપન જેવા પગલાં લેવામાં આવશે. બેઠકમાં એ  નોંધવામાં આવ્યું હતું કે મંકીપોક્સ ચેપ સામાન્ય રીતે 2-4 અઠવાડિયાની વચ્ચે સ્વ-સીમિત હોય છે અને દર્દીઓ સામાન્ય રીતે થોડી સહાયતા સાથે  સ્વસ્થ થઈ જાય છે.  


WHOએ મંકીપોક્સ વાયરસને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ષ 2022 પછી બીજી વખત આ રોગને વૈશ્વિક  સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. આફ્રિકામાં મંકીપોક્સ વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે આફ્રિકામાં મંકીપોક્સના લગભગ 30 હજાર કેસ નોંધાયા છે અને 600 લોકોના મોત થયા છે. વર્ષ 2022 માં જ્યારે આ વાયરસને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી, ત્યારે આ રોગ 116 દેશોમાં ફેલાયો હતો અને લગભગ 1 લાખ કેસ નોંધાયા હતા.