Monkeypox Latest Update: તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં વિદેશથી પરત આવેલા વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા છે. રાજ્યના આરોગ્ય અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે દર્દીને હૈદરાબાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ 6 જુલાઈના રોજ કુવૈતથી પરત આવ્યો હતો અને તેને 20 જુલાઈએ તાવ આવ્યો હતો.
રાજ્યના પબ્લિક હેલ્થ ડાયરેક્ટર જી શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે 23 જુલાઈના રોજ વ્યક્તિને ફોલ્લીઓ થવાનું શરૂ થયું હતું, જેના પછી તેને કામરેડ્ડી જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાવે જણાવ્યું કે ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ મંકીપોક્સના લક્ષણો દર્શાવ્યા બાદ તેને કામરેડ્ડી જિલ્લાની સરકારી હોસ્પિટલમાં રિફર કર્યો અને ત્યાંથી દર્દીને અહીંની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો.
દર્દીના સેમ્પલ લીધા બાદ તેને પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી (NIV)માં મોકલવામાં આવશે અને રિપોર્ટ આવે ત્યાં સુધી તેને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે. વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ કહ્યું, “અમે આ વ્યક્તિના સંપર્કમાં આવેલા છ લોકોની ઓળખ કરી છે. જો કે, તેમનામાં કોઈ લક્ષણો નથી અને તેમને આઈસોલેશનમાં પણ રાખવામાં આવ્યા છે. તેલંગાણાના આરોગ્ય પ્રધાન ટી હરીશ રાવે પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને તેમના નિર્દેશોના આધારે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
ભારતમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ સાથે કુલ કેસની સંખ્યા ચાર થઈ છે. કેરળ બાદ રાજધાની દિલ્હીમાં પ્રથમ કેસ નોંધાયો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, રાજ્યમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો છે. દર્દીને મૌલાના આઝાદ મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. 31 વર્ષીય પુરુષની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેને તાવ અને ચામડી પર ચકામા પડી જવાના કારણે દાખલ કરવામાં આવ્યો હતો.
WHO એ જાહેર કરી ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી
ડબલ્યુએચઓ દ્વારા મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવાનું સૌથી મોટું કારણ એ છે કે હવે આ રોગના ઝડપથી ફેલાવાનું જોખમ વધી ગયું છે અને તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે સાથે મળીને મંકીપોક્સ સામે લડવાની જરૂર છે. જૂનના અંતથી જુલાઈની શરૂઆત સુધી, પુષ્ટિ થયેલ ચેપની સંખ્યામાં 77 ટકાનો વધારો થયો છે. ગે લોકોમાં હાલ સંક્રમણનો સૌથી વધુ ખતરો છે, આ વર્ષે આફ્રિકામાં આ વાયરસથી પાંચ લોકોના મોત થયા છે. આફ્રિકાની બહાર મંકીપોક્સથી હજી સુધી કોઈ મૃત્યુ થયું નથી. ખાસ કરીને ગે અને બાયસેક્સ્યુઅલ આ રોગનો વધુ ભોગ બને છે. તેના લક્ષણો ઘણીવાર જનનાંગો અને ગુદા પર ફોલ્લીઓ તરીકે ઉભરી આવે છે. તેથી જ ડોકટરો તેને હર્પીસ અથવા સિફિલિસ હોવાનું નિદાન કરે છે.