Monsoon Arrival: દિલ્હી, યુપી અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીથી રાહત મળી છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં મંગળવાર (25 જૂન, 2024)ના રોજ ચોમાસું આવી ગયું છે.


IMDએ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મંગળવારે (25 જૂન, 2024) રાજસ્થાન પહોંચ્યું. ચોમાસાની ઉત્તરીય મર્યાદા મુંદ્રા, મહેસાણા, ઉદયપુર, શિવપુરી, સિદ્ધિ, ચાઈબાસા, હલ્દિયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલમાંથી પસાર થઈ રહી છે. વળી, ચોમાસું લલિતપુર થઈને યુપી પહોંચી ગયું છે.


હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના ભાગોમાં આગળ વધી ગયું છે. વિભાગે કહ્યું કે આવી સ્થિતિમાં આગામી સાત દિવસમાં પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.






ચોમાસુ આગામી દિવસોમાં કયા કયા રાજ્યોને કવર કરશે ? 
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 29 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશના બાકીના ભાગો, ઝારખંડના બાકીના ભાગો અને પૂર્વી ઉત્તરપ્રદેશને આવરી લેશે. દરમિયાન ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતી વખતે હવામાનશાસ્ત્રીએ કહ્યું, "ઝારખંડમાં ચોમાસાની ગતિ ધીમી રહી છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે.


ક્યારે પડશે વરસાદ ? 
હવામાન વિભાગે કહ્યું કે કર્ણાટક અને તમિલનાડુના ઘણા ભાગોમાં 27 જૂન સુધી વરસાદની સંભાવના છે. 28 જૂનથી તેમાં થોડો ઘટાડો થશે. IMDએ જણાવ્યું કે બિહાર, પૂર્વી ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં 27 જૂનથી વરસાદની મોસમ શરૂ થઈ શકે છે. ત્યારબાદ આ પછી એટલે કે 28 જૂને પંજાબ અને હરિયાણામાં વરસાદની સંભાવના છે.