ભારતીય હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે એક 1 જૂને કેરળમાં ચોમાસું આવી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્યનું 98 ટકા રહેવાની સંભાવના છે. ભારતના હવામાન ખાતાની વિસ્તૃત આગાહી મુજબ કેરળમાં ચોમાસું પોતાના સામાન્ય સમયે એક જૂને પહોંચશે. 


પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં સચિવ માધવન રાજીવને ગુરુવારે આ અંગે માહિતી આપી. તેઓએ માહિતી આપી હતી કે, ભારત હવામાન વિભાગ 15 મેના રોજ સત્તાવાર રીતે ચોમાસાની આગાહી કરશે.


માધવને ટ્વિટ કર્યું કે, 'મોનસૂન 2021 અપડેટ: ભારતના હવામાન વિભાગની વિસ્તૃત આગાહી મુજબ કેરળમાં 1 જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે. આ પ્રારંભિક આગાહી છે. ભારત હવામાન વિભાગની સત્તાવાર ચોમાસાની આગાહી 15 મેના રોજ અને વરસાદને લગતી આગાહી 31 મેના રોજ જાહેર કરવામાં આવશે.


આઇએમડીએ કહ્યું કે આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. દેશમાં 75 ટકા વરસાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસાને કારણે છે. લાંબા ગાળાના સરેરાશ વરસાદનો આંક 98 ટકા સુધી રહેશે અને તેમાં પાંચ ટકાનો વધારો થઈ શકે છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય અને અનેક ક્ષેત્રમાં સામાન્યથી વધુ રહેશે.