શનિવારે કેરળમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાએ દસ્તક આપી દીધી છે. કેરળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 16 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે કેરળમાં ચોમાસુ આટલું વહેલું પહોંચ્યું છે. કેરલમાં ચોમસાની એન્ટ્રી થઈ ગઈ છે. આ વર્ષે, 2009 પછી પહેલી વાર, ચોમાસુ ભારતની મુખ્ય ભૂમિ પર આટલું વહેલું પહોંચી ગયું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ચોમાસુ 23 મે 2009 ના રોજ કેરળ પહોંચ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
કેરળમાં ચોમાસાનું વહેલું આગમન
દક્ષિણપશ્ચિમ ચોમાસુ સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. ઉત્તરપશ્ચિમ ભારતમાંથી તેની વિદાય 17 સપ્ટેમ્બરની આસપાસ શરૂ થાય છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પરત ફરે છે.
ભારતમાં ચોમાસાનું આગમન ક્યારે થયું ?
IMD ના ડેટા અનુસાર, દક્ષિણ રાજ્યમાં ગયા વર્ષે 30 મે, 2023 માં 8 જૂન, 2022 માં 29 મે, 2021 માં 3 જૂન, 2020 માં 1 જૂન, 2019 માં 8 જૂન અને 2018 માં 29 મે ના રોજ ચોમાસુ પહોંચ્યું હતું.
આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે
એક અધિકારીએ જણાવ્યું હતું કે કેરળમાં ચોમાસાનું વહેલું કે મોડું આગમન થવાનો અર્થ એ નથી કે તે દેશના અન્ય ભાગોમાં પણ આ જ રીતે પહોંચશે. તે મોટા પાયે પરિવર્તનશીલતાને આધીન છે અને તે વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક પરિબળો દ્વારા નક્કી થાય છે. આઇએમડીએ એપ્રિલમાં આ વર્ષના ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી, જેમાં અલ નીનો સ્થિતિની શક્યતાને નકારી કાઢવામાં આવી હતી. ભારતીય ઉપખંડમાં અલ નીનો સિસ્ટમ સામાન્યથી ઓછા વરસાદ સાથે સંકળાયેલી છે.
દેશભરમાં ભીષણ ગરમીથી ઝઝૂમી રહેલા લોકોને ટૂંક સમયમાં રાહત મળવાની છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસોમાં 15 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.