આગામી સપ્તાહે શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં સુધારા સહિત છ નવા બિલ રજૂ કરવામાં આવશે. ગુરુવારે સાંજે લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં આ બિલોની યાદી પ્રકાશિત કરવામાં આવી હતી. ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે.


નાણામંત્રી મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે


નાણામંત્રી નિર્મલા સીતારમણ 23, જૂલાઇ મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદીય એજન્ડા નક્કી કરવા માટે કાર્ય મંત્રણા સમિતિની પણ રચના કરી છે. સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. અત્યાર સુધીની માહિતી મુજબ સરકાર ચોમાસુ સત્રમાં છ બિલ રજૂ કરશે. જેમાં ફાઇનાન્સ બિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બોયલર્સ બિલ, ઇન્ડિયન એરક્રાફ્ટ બિલ, કોફી પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ બિલ અને રબર પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ બિલનો સમાવેશ થાય છે. આ સિવાય બજેટ રજૂ અને ચર્ચા કરવામાં આવશે.


સાથે ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ પર ચર્ચા અને મતદાન પણ થશે. આ સત્રમાં એપ્રોપ્રિએશન બિલ પસાર કરવામાં આવશે. આ બધા સિવાય જમ્મુ-કાશ્મીરનું બજેટ ચર્ચા બાદ પસાર કરવામાં આવશે. ફાઇનાન્સ બિલ ઉપરાંત, સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં વ્યવસાયની સરળતા માટે એરક્રાફ્ટ એક્ટ 1934 ને બદલવા માટે ભારતીય એરક્રાફ્ટ બિલ 2024 ને પણ સૂચિબદ્ધ કર્યું છે.


આ સમિતિમાં આ લોકોનો કરાયો સમાવેશ


લોકસભા અધ્યક્ષની અધ્યક્ષતાવાળી સમિતિમાં સુદીપ બંદોપાધ્યાય (TMC), પીપી ચૌધરી (ભાજપ), લવુ કૃષ્ણ દેવરાયલુ (ટીડીપી), નિશિકાંત દુબે (ભાજપ), ગૌરવ ગોગોઈ (કોંગ્રેસ), સંજય જયસ્વાલ (ભાજપ), દિલેશ્વર કામત (જેડીયુ), ભર્તૃહરિ મહતાબ (ભાજપ), દયાનિધિ મારન (ડીએમકે), બૈજયંત પાંડા (ભાજપ), અરવિંદ સાવંત (શિવસેના-યુબીટી), કે. સુરેશ (કોંગ્રેસ), અનુરાગ ઠાકુર (ભાજપ) અને લાલજી વર્મા (સપા) સભ્ય બન્યા છે.