નવી દિલ્હી:  આ વખતે ચોમાસુ નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું દેશમાં પહોંચી શકે છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણપશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ કિનારે પહોંચશે. સામાન્ય રીતે તે 1 જૂનના રોજ કેરળ પહોંચે છે. હવામાન વિભાગના મતે, જો ચોમાસુ 27 મેના રોજ આવશે તો 16 વર્ષમાં પહેલી વાર આટલું વહેલું આવશે. 2009માં 23 મે અને 2024માં 30 મેના રોજ ચોમાસુ કેરળ પહોંચ્યું હતું. 2018માં 29 મેના રોજ ચોમાસુ પહોંચ્યું હતું.

સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચ્યા પછી, ચોમાસુ 8 જુલાઈ સુધીમાં અન્ય રાજ્યોને આવરી લે છે, એમ IMD એ જણાવ્યું હતું. 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાન થઈને પરત ફરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થાય છે. આગામી સપ્તાહે આંદામાન અને નિકોબારમાં ચોમાસાનો વરસાદ આગામી સપ્તાહ સુધીમાં શરૂ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 મે સુધીમાં ચોમાસુ આંદામાન અને નિકોબારના કેટલાક ભાગોમાં પ્રવેશ કરશે તેવી શક્યતા છે.

2025માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે

હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં કરેલી આગાહીમાં આશા વ્યક્ત કરી છે કે 2025માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આ કારણે અલ નીનોની અસર નકારી કાઢવામાં આવી રહી છે, કારણ કે અલ નીનોની અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી રહ્યો છે. 

આ વખતે એક અઠવાડિયા વહેલું થશે

તાજેતરમાં, હવામાન વિભાગે કહ્યું હતું કે આ વર્ષે ચોમાસુ દક્ષિણ આંદામાન સમુદ્ર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર ટાપુઓમાં 13 મેના રોજ જ આગળ વધી શકે છે. સામાન્ય રીતે આ 20 મેની આસપાસ થાય છે, પરંતુ આ વખતે તે એક અઠવાડિયા વહેલું થઈ રહ્યું છે. સામાન્ય રીતે ચોમાસાને નિકોબાર ટાપુઓથી કેરળ પહોંચતા 10 દિવસ લાગે છે. 

સમગ્ર દેશમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમા હીટવેવની આગાહી કરવામાં આવી છે તો કેટલાક રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાનમાં સિસ્ટમ એક્ટિવ થઈ હોવાના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.