Monsoon News : દેશવાસીઓને જલદી જ આકરી ગરમીમાંથી રાહત મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ચોમાસું દેશમાં 15 મેના રોજ દસ્તક આપી શકે છે. દેશમાં આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું વહેલું આવવાની ધારણા છે. જેના કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 15 મેના રોજ પ્રથમ મોસમી વરસાદ થવાની સંભાવના છે.


હવામાન વિભાગે આ વર્ષે સંભવિત ચોમાસા વિશે આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 મે 2022ની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર વિસ્તૃત આગાહીમાં ચોમાસાના સતત આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓનો સંકેત આપવામાં આવ્યો છે અને તે કેરળ પર અને પછી ઉત્તર તરફ આગળ વધશે.


હાલમાં દેશનો મોટા ભાગનો વિસ્તાર આકરી ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યો છે. ચોમાસાના વહેલા આગમનને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં લોકોને આ ગરમીથી ચોક્કસ રાહત મળશે. જેઓ છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. 




સામાન્ય સંજોગોમાં કેરળમાં ચોમાસાનું આગમન 1 જૂને થાય છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે.


14 થી 16 મે દરમિયાન દ્વીપસમૂહમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.  આ સાથે જ હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર 15 અને 16 મેના રોજ દક્ષિણ અંદામાન સમુદ્રમાં પવનની ઝડપ 40-60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે.