Retail Inflation Increases: ખાવા-પીવાની વસ્તુઓની વધતી કિંમતો અને મોંધા ડીઝલ-પેટ્રોલના કારણે છૂટક મોંઘવારી દર (Retail Inflation Data) નો આંકડો 18 મહિનાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો છે. એપ્રિલ મહિનામાં છૂટક મોંઘવારી દરનો આંકડો 7 ટકાને પાર પહોંચ્યો છે. આંકડાકીય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર એપ્રિલ 2022માં છૂટક મોંઘવારી દર 7.79 ટકા રહ્યો છે. જ્યારે માર્ચ 2022માં છૂટક મોંઘવારી દર 6.95 ટકા રહ્યો છે. 7 ટકાથી વધુનો મોંઘવારી દર આ પહેલાં સપ્ટેમ્બર 2020માં 7.34 ટકા નોંધાયો હતો.


છૂટક મોંધવારી દર 18 મહિનાની ઉચ્ચ સપાટી પરઃ
છૂટક મોંધવારી દર 7.50 ટકાથી પણ વધુ એટલે કે 7.79 ટકા પર પહોંચ્યો છે. આ મોંઘવારી RBIએ નક્કી કરેલ 6 ટકાની લિમિટ કરતાં ઘણો વધારે છે. એપ્રિલમાં મોનિટરી પોલીસીની જાહેરાત કરતાં આરબીઆઈએ 2022-23માં મોંઘવારી દર 5.7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. NSO ની માહિતી અનુસાર શહેરી વિસ્તારોમાં મોંઘવારી ખુબ જ વધી છે. માર્ચ 2022માં શહેરી વિસ્તારોમાં છૂટક મોંઘવારી દર 8.38 ટકા રહી હતી જ્યારે ગામડામાં આ દર 7.09 ટકા રહ્યો હતો. 


મોંઘા ડીઝલ-પેટ્રોલે વધારી મોંઘવારીઃ
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે કાચા તેલની કિંમતમાં ઉછાળો આવ્યો છે. 22 માર્ચ 2022થી સરકારી ઓઈલ કંપનીઓએ ઈંધણના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. મોંઘું ડીઝલ એટલે મોંઘું પરિવહન. જેના કારણે અનેક ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળો આવ્યો છે. તો 1 એપ્રિલથી ઘરેલુ કુદરતી ગેસના ભાવ બમણા થઈ ગયા છે, જેના કારણે PNG થી PNG મોંઘા થઈ ગયા છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ખાદ્યતેલથી લઈને ઘણી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. મોંઘા ડીઝલના કારણે ટ્રાન્સપોર્ટરોએ માલ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો છે. માલસામાનની હેરફેરને કારણે મોંઘવારી પણ વધી છે.