La Nina 2024: દેશમાં હાલ ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ટૂંક સમયમાં હવામાનમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લા નીના ટૂંક સમયમાં સક્રિય થવા જઈ રહ્યું છે. અલ નીનો હવે સમાપ્ત થઈ રહ્યું છે, અલ નીનોને કારણે દુષ્કાળ અને ગરમી પડે છે. લા નીના સક્રિય હોવાને કારણે સામાન્ય કરતાં વધુ વરસાદ વરસે છે. આવી સ્થિતિમાં આ વખતે લા નીના દેશમાં તબાહી મચાવી શકે છે.


આ અંગે અપડેટ આપતાં હવામાન વિભાગે કહ્યું કે આ વખતે દેશમાં ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલશે, કારણ કે લા નીના આ સમય દરમિયાન જ સક્રિય થઈ શકે છે. વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનો અને લા નીનાને કારણે હવામાનમાં ફેરફાર થાય છે. અલ નીનોને કારણે તાપમાન વધે છે અને લા નીનાને કારણે તાપમાન ઘટે છે.


ચોમાસુ ગમે ત્યારે આવી શકે છે


માહિતી આપતા આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, 'દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કોઈપણ દિવસે કેરળમાં આવી શકે છે. આ વખતે લા નીનાને કારણે વધુ વરસાદ પડી શકે છે. અન્ય પરિબળો ચોમાસાને અસર કરે છે પરંતુ લા નીના સૌથી મોટું પરિબળ છે. આ કારણોસર આ વખતે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડી શકે છે.


લા નીના જુલાઈમાં સક્રિય થશે


ભારતીય ચોમાસા માટે લા નીના સૌથી અનુકૂળ માનવામાં આવે છે. જુલાઈ મહિનામાં લા નીના સંપૂર્ણપણે સક્રિય થઈ જશે. આવી સ્થિતિમાં દક્ષિણ દ્વીપકલ્પ અને મધ્ય ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જ્યારે જૂન-સપ્ટેમ્બરમાં પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછો વરસાદ પડી શકે છે. અતિશય વરસાદને કારણે ઘણી જગ્યાએ વાદળ ફાટવા, ભૂસ્ખલન અને પૂરની ઘટનાઓ બની શકે છે. 


દેશમાં પડી રહી છે કાળઝાળ ગરમી


હાલમાં દેશમાં ખૂબ જ કાળઝાળ ગરમી પડી રહી છે. અસહ્ય ગરમીના કારણે ઘરમાંથી બહાર નિકળવુ પણ મુશ્કેલ બની રહ્યું છે. દેશના ઘણા રાજ્યોમાં તાપમાનનો પારો 50 ડિગ્રીને આસપાસ પહોંચી ગયો છે. રાજસ્થાનમાં પણ જોરદાર હીટવેવ છે.   અનેક શહેરોમાં તાપમાન વધી રહ્યું છે.