Punjab : પંજાબી સિંગર તેમજ કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala)ની હત્યા બાદ આ ઘટના અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હવે આ ઘટનાને વિકી મિદુખેડા (Vicky Middukhera)ની હત્યા સાથે જોડવામાં આવી રહી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં પંજાબના મોહાલીમાં અકાલી નેતા  વિકી મિદુખેડાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે સવાલ એ પણ ઉભો થયૉ છે કે શું અકાલી નેતા વિકી મિદુખેડાની હત્યાનો બદલો લેવા સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી છે? આવો જાણીએ આ બે હત્યા વચ્ચે શું કનેક્શન છે. 


કોણ છે વિકી મિદ્દુખેડા? 
વિકી મિદુખેડા ઉર્ફે વિક્રમજીત સિંહ મિદુખેડા, યુવા અકાલી દળનો નેતા હતો, જેની ઓગસ્ટ 2021માં મોહાલીના સેક્ટર 71માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.


તે શિરોમણી અકાલી દળની વિદ્યાર્થી પાંખ, સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SOI), ચંદીગઢ ઝોનના પ્રમુખ હતા.


ધ ક્વિન્ટના અહેવાલ મુજબ, વિક્રમજીત મિદુખેડાનો પરિવાર શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના મલોટનો વતની છે અને તે જ જિલ્લાના બાદલ નેતાઓ સાથે સારા સંબંધો  હોવાનું માનવામાં આવે છે.


શું થયું હતું ઓગસ્ટ 2021માં ?
ગયા વર્ષે ઓગસ્ટમાં પંજાબના મોહાલીમાં વિકી મિદુખેડાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મોહાલીના પોલીસ અધિક્ષક આકાશદીપ સિંહ ઔલખે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે બે સશસ્ત્ર બદમાશોએ બજાર વિસ્તારમાં વિકી મિદુખેડામાં ગોળીબાર કર્યો અને સ્થળ પરથી ભાગી ગયા.
પોલીસના જણાવ્યા અનુસાર, આઠથી નવ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે બાદ બદમાશો કારમાં બેસીને ભાગી ગયા હતા. ભારતીય વિદ્યાર્થી મંડળ મિદુખેડાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.


આ મહિનાની શરૂઆતમાં સ્થાનિક કોર્ટે હત્યાના કેસમાં ચાર આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.


ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પોલીસે હત્યામાં વપરાયેલ હથિયારો તેમજ હુમલાખોરો જે કારમાં જોવા મળ્યા હતા તે કબજે કરી લીધા છે. શૂટરોની સાથે આવેલા ચોથા શંકાસ્પદની ઓળખ અસ્પષ્ટ છે. નોંધનીય છે કે આઠ મહિના વીતી જવા છતાં પણ સત્તાધીશો વિકી મિદુખેડાની હત્યા પાછળનું કારણ જાણી શક્યા નથી.



વિકી મિદુખેડા અને સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કનેક્શન 
એક કથિત ફેસબુક પોસ્ટમાં, કેનેડાના લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો પૈકીના એક ગોલ્ડી બ્રારે વિકી મિદુખેડા કેસને ટાંકીને હત્યાની જવાબદારી સ્વીકારી હતી.


અહેવાલો મુજબ, વિકી મિદુખેડા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો મિત્ર હતો, જે 2017 થી રાજસ્થાનની ભરતપુર જેલમાં વિવિધ ગુનાઓમાં સજા ભોગવી રહ્યો છે.


પંજાબના DGP વીકે ભાવરાએ રવિવારે જણાવ્યું હતું કે સિદ્ધુ મુસેવાલાનો મેનેજર શગનપ્રીત ગયા વર્ષે યુવા અકાલી નેતા વિકી મિદુખેડાની હત્યામાં સામેલ હતો.


તપાસ આગળ વધતા જ  સિદ્ધુ મુસેવાલાનો મેનેજર  શગુનપ્રીત ઓસ્ટ્રેલિયા ભાગી ગયો અને તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર  કરવામાં આવ્યો. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, શગુનપ્રીતે વિકી મિદુખેડાના હત્યારાઓને રહેવાની વ્યવસ્થા કરી હોવાનું માનવામાં આવે છે અને હત્યા પહેલા તેઓને વિકી મિદુખેડાની રેકી કરવામાં મદદ કરી હતી.


સિદ્ધુ મુસેવાલાનો મેનેજર શગનપ્રીત પહોંચની બહાર હોવાથી અને આ કેસમાંસિદ્ધુ મુસેવાલાની પૂછપરછ કરવાની માંગણી સાથે બિશ્નોઈ ગેંગે મામલો પોતાના હાથમાં લીધો હોવાની શંકા છે.


રવિવારના રોજ જ્યારે સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારે તે મહિન્દ્રા થાર જીપમાં ગુરવિંદર સિંહ (પડોશી) અને ગુરપ્રીત સિંહ (પિતરાઈ ભાઈ) સાથે હતો.