પશ્ચિમ બંગાળમાં જ્યારથી ટીએમસી નેતાની હત્યા બાદ બીરભૂમમાં હિંસા થઈ છે ત્યારથી નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે પશ્ચિમ બંગાળમાં છેલ્લા બે દિવસમાં 200 જેટલા જીવતા બોમ્બ મળી આવ્યા છે. રાજ્યમાં સતત મળી રહેલા બોમ્બની ફરિયાદ મળ્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોલીસને તપાસના આદેશ આપ્યા છે. પોલીસ સતત તપાસ અભિયાન ચલાવી રહી છે. આજ કડીમાં મુર્શિદાબાદમાં બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં 41 જીવતા બોમ્બ, હથિયાર અને વિસ્ફોટક મળી આવ્યા છે.


રવિવારની સવારે પોલીસે રેજીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં  એક ખેતરમાંથી ત્રણ ડ્રમ બોમ્બ ઝડપી પાડ્યા હતા. પોલીસ હવે આ સમગ્ર વિસ્તારમાં તપાસ કરી રહી છે અને બોમ્બ નિરોધક ટીમને પણ જાણ કરવામાં આવી છે.


 






રેજીનગર પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રણ ડમમાંથી 31 જીવતા બોમ્બ મળી આવ્યા છે. ત્યાર બાદ બોમ્બ સ્કોડની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તેને ડિફ્યૂઝ કર્યા હતા. તો બીજી તરફ રાનીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ 10 જીવતા બોમ્બ મળી આવ્યા હતા.


ત્યાં પણ બોમ્બ નિરોધક ટીમને બોલાવવામાં આવી હતી અને બોમ્બને ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતા. રાનીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રણ બોમ્બ, એક શટર પાઈપ ગન અને ચાર કારતુસ પણ મળી આવ્યા છે. આ અંગે આર્મ્સ એક્ટ હેઠળ પોલીસે પ્રતાપ મંડલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.


બીરભૂમમાં અલગ અલગ વિસ્તારમાં મળ્યા 170 બોમ્બ


તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળમાં બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં 40 દેશી બોમ્બ મળી આવ્યા હતા. આ બોમ્બને ચાર ડોલમાં છુપાવીને એક નિમાર્ણાધિન ઘરના પાછળના ભાગમાં રાખવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શુક્રવારથી અત્યાર સુધીમાં કુલ 170 દેશી બોમ્બ મળી આવ્યા છે. રામપુરહાટના બોગટુઈ ગામની નજીક માર્ગરામમાં એક નિર્માણાધિન બિલ્ડિંગમાંથી પોલીસે કાચા બોમ્બથી ભરેલ 4 ડોલ શોધી કાઢી હતી જેમા 40 બોમ્બ હતા. આ ઉપરાંત શુક્રવારે પણ 5 ડોલ કાચા બોમ્બ મારગ્રામમાંથી જ મળી આવ્યા હતા.