નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 52,123 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 775 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે. આ અત્યાર સુધીમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 15,83,792 પર પહોંચી છે. કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં 34,968 દર્દીઓના મોત થયા છે.


છેલ્લા 10 દિવસમાંજ સમગ્ર દેશમાં 4,65,449 કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. ભારતમાં સામે આવેલા કુલ કોરોના સંક્રમિત દર્દીઓના 29.40 ટકા છે. જ્યારે છેલ્લા 10 દિવસમાં 7,471 દર્દીઓના મોત થયા છે. આ ભારતમાં થયેલા કુલ મોતના 21.36 ટકા છે.

21 જુલાઈએ ભારતમાં 11,55,191 કોરોના સંક્રમણના કેસ હતા. 23 જુલાઈએ બાર લાખથી વધુ કેસ થઈ ગયા અને સંખ્યા 12,38,635 થઈ ગઈ. જ્યારે 25 જુલાઈએ આંકડો તેર લાખથી વધુ થઈ ગયો અને સંક્રમિત દર્દીઓની સંખ્યા 13,36,861 થઈ ગઈ હતી. ત્યારબાદ 27 જુલાઈએ કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 14 લાખને પાર થયો અને સંખ્યા 14,35,453 થઈ હતી. 29 તારીખે આંકડો 15,31,669 થયો હતો. એટલે કે છેલ્લા 10 દિવસમાં રોજ 2 દિવસમાં 1 લાખ નવા કેસ નોંધાયા હતા.

ભારતમાં કોરોનાના કુલ 15,83,792 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે, જેમાં 5,28,242 એક્ટિવ કેસ છે જેની સારવાર ચાલી રહી છે અને 34968 દર્દીઓના મોત થયા છે. જ્યારે સંક્રમણથી 10,20,582 દર્દીઓ સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 64.43 ટકા થઈ ગયો છે.