નવી દિલ્હીઃ કેરળ હાઈકોર્ટથી મહિલા અધિકાર કાર્યકર્તા રેહાના ફાતિમાને મોટો ફટકો લાગ્યો છે. સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાને લઈ ચર્ચામાં રહેલી મહિલા કાર્યકર્તા રેહાના ફાતિમાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.

કોચ્ચિના BSNLની પૂર્વ કર્મચારી રેહાના ફાતિમા ઓક્ટોબર 2018માં સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાને લઈ ચર્ચામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેણે પોસ્ટ કરેલી વીડિયો ક્લિપ પર હંગામો મચ્યા બાદ ફાતિમા સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ વીડિયોમાં ફાતિમા તેના સગીર પુત્ર અને પુત્રીના અર્ધ નગ્ન શરીર પર પેઈન્ટિંગ કરતી જોવા મળી હતી. તેણે હેશટેગ બોડીઆર્ટ અને પોલિટિક્સ સાથે આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેના પર વાંધો ઉઠાવીને કેરળ સ્ટેટ કમીશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે પોલીસને તેની સામે મામલો નોંધવા કહ્યું હતું.

કોર્ટે નોંધ્યું કે, તે તેના બાળકોને ઘરની ચાર દિવાલોની અંદર સેક્સ એજ્યુએકશન આપી શકે છે પરંતુ આ રીતે વીડિયો પોસ્ટ કરવો યોગ્ય નથી. તેણે બાળકોનો ઉપયોગ કરીને ખોટું કામ કર્યું છે.

કેરળ હાઇકોર્ટે તેની આગોતરી જામીન અરજી ફગાવીને કહ્યું હતું કે લોકોને કળાના નામે કંઈ પણ કરવાનો અને બાળકો સહિત કોઈને પણ તેમની ગતિવિધિમાં સામેલ કરવાનો અધિકાર નથી.