નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર કોરોના વાયરસના નવા હોટસ્પોટ બની શકે છે.


હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા 20 જાણીતા રાજ્યોના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં પોઝિટિવિટી રેટમાં વદારો, દૈનિક કેસોની સંખ્યામાં વધારો અને પ્રતિ મિલિયન ટેસ્ટની સંખ્યા આ મુખ્ય ત્રણ પરિબળો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. દેશમાં મહામારી વકરવાની શરૂ થઈ ત્યારે પણ આ માપદંડના આધારે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી હોટ સ્પોટ તરીકે ઉભરી આવ્યા હતા.

આ રાજ્યોમાં ડબલિંગ રેટમાં પણ વધ્યો હોવોનું એનાલિસિસમાં જાણવા મળ્યું છે. આંધ્રપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 96,298 પર પહોંચી છે અને 1041 લોકોના મોત થયા છે. હાલ રાજ્યમાં 48,956 એક્ટિવ કેસ છે. બિહારમાં સંક્રમિતોની સંખ્યા 39,176 પર પહોંચી છે. જ્યારે 224 લોકોના મોત થયા છે. રાજ્યમાં 13,117 એક્ટિવ કેસ છે.

કર્ણાટકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 96,141 પર પહોંચી છે. રાજ્યમાં 1878 લોકોના મોત થયા છે અને 58,425 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્ર પછી કર્ણાટકમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે. પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 58,718 પર પહોંચી છે, 1372 લોકોના મોત થયા છે અને 19,595 એક્ટિવ કેસ છે.