નવી દિલ્હીઃ રાહુલ ગાંધીના રાજીનામા બાદ હવે કોગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના નજીક મનાતા મોતીલાલ વોરા પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બની શકે છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું કે, નવા અધ્યક્ષની નિમણૂક સુધી વોરા આ પદભાર સંભાળશે. જોકે, પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનાવવાના રિપોર્ટને લઇને જ્યારે મોતીલાલ વોરાને  પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેમને આ અંગે કોઇ જાણકારી નથી. નોંધનીય છે કે મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના ગવર્નર રહી ચૂક્યા છે. તેમણે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના નજીકના મનાય છે. તે પાર્ટીના મોટા નિર્ણયોમાં સામેલ રહી ચૂક્યા છે. રાજ્યસભાના સાંસદ મોતીલાલ વોરા હાલમાં કોગ્રેસ પાર્ટીના મહાસચિવ પદ પર છે.


આ અગાઉ રાહુલ ગાંધીએ બુધવારે બપોર બાદ ચાર પેજની ચિઠ્ઠી ટ્વિટ કરી કોગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની સતાવાર જાહેરાત કરી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં  પાર્ટીની કારમી હારની જવાબદારી સ્વીકારતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોતાની પ્રોફાઇલ પણ અપડેટ કરી હતી જેમાં તેમણે પોતાને હવે ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના સભ્ય અને સાંસદ ગણાવ્યા હતા. પત્રમાં રાહુલ ગાંધીએ લખ્યું કે, તેમણે નવા અધ્યક્ષની પસંદગી કરવાનું કહ્યુ હતું પરંતુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે નવા અધ્યક્ષના નામની ભલામણ નહી કરે.