Avadh Ojha News: IAS ને કોચિંગ આપનાર મોટીવેશનલ સ્પીકર અને જાણીતા શિક્ષક અવધ ઓઝા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા. તેઓ આમ આદમી પાર્ટીના કન્વીનર અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સાથે AAP હેડક્વાર્ટર પહોંચ્યા હતા. જે બાદ આજે તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એટલું જ નહીં તેઓ દિલ્હીની કોઈપણ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
અવધ ઓઝા યુપીના ગોંડા શહેરના રહેવાસી છે અને તે પોતાની વિશેષ શિક્ષણ પદ્ધતિ માટે જાણીતા છે. તેમને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. તેઓ સોશિયલ મીડિયા પર 'ઓઝા સર' તરીકે ઓળખાય છે. દરરોજ તેઓ પોતાના શબ્દો અને નિવેદનોથી સોશિયલ મીડિયા પર લોકપ્રિય રહે છે. જોકે, ફેસબુક અને એક્સ જેવી સાઈટ પર તેનું પોતાનું એકાઉન્ટ નથી. તેમની ઘણી લોકપ્રિયતા છે. અવધ ઓઝાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.
અવધ ઓઝા દિલ્હીથી ચૂંટણી લડી શકે છે
અવધ ઓઝા દિલ્હીની કોઈપણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની બેઠક પણ નક્કી થઈ ગઈ છે. જો કે આ કઇ સીટ હશે તે અંગેની માહિતી ઉપલબ્ધ નથી. આ પહેલા એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે AAP નેતા અરવિંદ કેજરીવાલની પણ પ્રશંસા કરી હતી. તેમણે કેજરીવાલને રાષ્ટ્રીય રાજનીતિના માણસ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે જો કેજરીવાલે પોતાની સાથે-સાથે સાથીઓનું પણ ધ્યાન રાખ્યું હોત તો આજે ચિત્ર અલગ હોત.
અવધ ઓઝાના રાજકારણમાં ભારે રસ જોવા મળી રહ્યો છે. આ પહેલા તેઓ લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા. અવધ ઓઝા પ્રયાગરાજ સીટ પરથી ચૂંટણી લડવા માંગતા હતા, આ સંબંધમાં તેઓ ભાજપના ઘણા નેતાઓને પણ મળ્યા હતા. પરંતુ, તેમને ટિકિટ મળી શકી ન હતી. પ્રયાગરાજ સિવાય તેઓ કૈસરગંજ સીટ પરથી પણ ચૂંટણી લડશે તેવી ચર્ચા હતી.
અખિલેશ યાદવના કર્યા હતા વખાણ
અવધ ઓઝા રાજકીય રીતે પણ ખૂબ સક્રિય છે. તેમણે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવને લઈને પણ નિવેદનો આપ્યા છે. તેમણે અખિલેશ યાદવને દૂરંદેશી નેતા ગણાવતા કહ્યું કે તેઓ દેશના વડાપ્રધાન બની શકે છે. તેમણે રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધી કરતાં વધુ સારા નેતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે પ્રિયંકા એક સારા કોઓર્ડિનેટર અને આયોજક છે.