નવી દિલ્હીઃ નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ઓડિશાના સંબલપુરમાં અત્યાર સુધીનો સૌથી મોટો મેમો ફાડવામાં આવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થસે કે નાગાલેન્ડના એક ટ્રક માલિક પર ટ્રાફિક નિયમ તોડવાના મામલે 6,53,100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઓડિશા પરિહવન વિભાગે કુલ 7 ટ્રાફિક નિયમો તોડવા પર જૂના મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ટ્રક માલિકને આ મેમો આપવામાં આવ્યો છે. જાણકારી અનુસાર ટ્રક માલિકનું નામ શૈલેશ શંકર લાલ ગુપ્તા છે. શૈલેશ શંકરે વિતેલા પાંચ વર્ષતી ટેક્સ ભર્યો નથી અને અનેક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતો રહ્યો છે.



ઓડિશા પરિવહન વિભાગે જનરલ ઑફેન્સ, હવા અને ધ્વની પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન, વીમા સહિત ટ્રાફિકના અનેક નિયમોના ભંગ બદલ ટ્રક માલિકને ભારે દંડનો મેમો પકડાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રાફિક પોલીસે ટ્રકના ડ્રાઇવરને ઓડિશાના સાંબલપુર ખાતે રોક્યો હતો અને દસ્તાવેજો માંગ્યા હતા. જે બાદમાં અલગ અલગ ગૂના માટે તેને દંડ ફટકારવામાં આવ્યો છે.

દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ભારે દંડ મળવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. શુક્રવારે દિલ્હીમાં એક ડ્રાઇવરના ટ્રાફિકના વિવિધ નિયમો તોડવા બદલ રૂ. બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ઓવરલોડિંગ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવાનો સમાવેશ થતો હતો.