ભોપાલઃ નાગરિકતા સંશોધન કાયદાને લઇને સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે કોગ્રેસ શાસિત રાજ્ય સતત આ કાયદાના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરી રહ્યા છે. હવે મધ્યપ્રદેશ કેબિનેટે પણ કેન્દ્ર સરકારના નાગરિકતા સંશોધન કાયદાને હટાવવાની માંગ સાથે પ્રસ્તાવ પાસ કર્યો છે. આ સાથે જ એનપીઆરમાં પણ સંશોધનની માંગ કરી છે. આ અગાઉ કેરલ, પંજાબ, પશ્વિમ બંગાળ અને રાજસ્થાન વિધાનસભામાં સીએએ વિરોધી પ્રસ્તાવ પાસ થઇ ચૂક્યા છે.


મધ્યપ્રદેશ કેબિનેટે બુધવારે સીએએના વિરોધ અને એનપીઆરમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ મધ્યપ્રદેશ હવે પાંચમું રાજ્ય બની ગયું છે જ્યાં સીએએના વિરોધમાં પ્રસ્તાવ પાસ થઇ ચૂક્યો છે. આ પ્રસ્તાવમાં સીએએને રદ કરવા અને એનપીઆરમાં સંશોધન કરવાની કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે.