મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ગુરુવારે પેશાબ કાંડના પીડિત આદિવાસી દશમત રાવતને મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળ્યા હતા. મુખ્યમંત્રીએ પીડિત આદિવાસીને ભોપાલ બોલાવ્યો હતો. અહીં શિવરાજે તેમના દશમત રાવતના પગ ધોયા, ચાંદલો કર્યો અને અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને માફી પણ માંગી હતી.
મુખ્યમંત્રી શિવરાજે પીડિત યુવકને ગણેશની પ્રતિમા પણ અર્પણ કરી હતી. શ્રીફળ અને કપડાં પણ આપવામાં આવ્યા છે. સીએમએ પીડિતને પૂછ્યું હતું કે શું ઘરમાં કોઈ સમસ્યા છે. કંઈ થાય તો મને જણાવજે. શિવરાજે પૂછ્યું કે તમે શું કામ કરો છો? પીડિતે જણાવ્યું કે તે કુબેરીના બજારમાં કામ કરે છે. CMએ પૂછ્યું કે બાળકો ભણે છે? તેમને શિષ્યવૃત્તિ મળે છે કે નહીં? પીડિતે જણાવ્યું કે બાળકને સ્ટાઈપેન્ડ મળે છે. શિવરાજે કહ્યું કે હું તે ઘટનાનો વીડિયો જોઈને ખૂબ જ દુઃખી છું, તેથી હું માફી માંગુ છું. તે મારી ફરજ છે અને મારા માટે તો જનતા ભગવાન છે. શિવરાજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને દશમતને નાસ્તો કરાવ્યો હતો.
નોંધનીય છે કે Sidhi પેશાબ કાંડ મામલે ભાજપ સરકાર મુશ્કેલીમાં છે. કોંગ્રેસ સતત આદિવાસી સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ શિવરાજ સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં આદિવાસી ભાઈ-બહેનો પર અત્યાચાર વધી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ભાજપના એક નેતાના અમાનવીય ગુનાએ સમગ્ર માનવતાને શરમમાં મૂકી દીધી છે. આ છે આદિવાસીઓ અને દલિતો પ્રત્યે ભાજપની નફરતનો ઘૃણાસ્પદ ચહેરો અને વાસ્તવિક ચરિત્ર.
Sidhi જિલ્લામાં શું થયું?
મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક યુવક દ્વારા આદિવાસી પર પેશાબ કરવાની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા હોબાળો મચી ગયો હતો. આરોપી પ્રવેશ શુક્લા સામે કાર્યવાહી કરવામાં આવી છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે આરોપીઓ પર એનએસએ લગાવવામાં આવશે. આવી ઘટનાઓને સાંખી લેવામાં આવશે નહીં. આરોપીના ઘરે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. બુધવારે તેની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યું કે પેશાબ કરનાર યુવક ભાજપનો નેતા છે. પેશાબ કરનાર યુવક ભાજપના ધારાસભ્ય કેદાર શુક્લાનો પ્રતિનિધિ પ્રવેશ શુક્લા હોવાનું કહેવાય છે. જો કે, ભાજપના ધારાસભ્યએ કહ્યું કે તે મારો પ્રતિનિધિ નથી. કેદાર શુક્લાએ કહ્યું કે પ્રવેશ તેમનો પ્રતિનિધિ નથી. લગભગ એક અઠવાડિયા પહેલા આ વીડિયો સામે આવ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. NSAની કલમ 294, 506 ભારતીય દંડ સંહિતા, 71 SC ST એક્ટ હેઠળ પણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.