Kuno National Park: સપ્ટેમ્બરના મધ્યમાં, નામિબિયામાંથી ચિત્તાને ભારત લાવવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આવેલા કુનો નેશનલ પાર્ક (KNP)માં  મુક્ત કરાયેલા બે ચિત્તાને એક મોટા વાડામાં છોડવામાં આવ્યા હતા. ખુલ્લા જંગલ જેવું વાતાવરણ મળતાં જ બંને ચિત્તાઓએ પોતાનો પહેલો શિકાર કરી લીધો છે.


આ બંને ચિત્તાઓને નામિબિયાથી લાવવામાં આવ્યા હતા અને મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્ક (KNP)માં છોડવામાં આવ્યા હતા. આમાંથી બે ચિત્તાઓને 5 નવેમ્બરના રોજ ક્વોરેન્ટાઇનમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને મોટા વાડામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તો, બાકીના છ ચિતાઓને પણ તબક્કાવાર રીતે મોટા ઘેરામાં ખસેડવામાં આવશે. આ ચિત્તાઓને મોટા વાડામાં સ્થાનાંતરિત કર્યા પછી એક કે બે મહિના માટે જંગલમાં છોડવામાં આવશે.


ક્વોરેન્ટાઇનમાં 51 દિવસ પૂરા કર્યા


પીએમ મોદીએ પ્લેટફોર્મ પરથી લિવર ફેરવીને લાકડાના પાંજરાના દરવાજા ખોલ્યા અને તેમને ખાસ વાડામાં ક્વોરેન્ટાઇન (આઇસોલેશન)માં છોડ્યા હતા. 6 નવેમ્બરે આ ચિત્તાઓએ તેમના નવા ઘરમાં 51 દિવસ પૂરા કરી લીધા હતા. આ પછી, ફ્રીડી અને એલ્ટન નામના ચિત્તાઓને એક મોટા વાડામાં છોડી દેવામાં આવ્યા હતા. વન મંત્રી વિજય શાહે જણાવ્યું કે આ બંને ચિતાઓએ પોતાનો પહેલો શિકાર અહીં કર્યો છે.


સોમવારે વહેલી સવારે ચિત્તલનો શિકાર કર્યોઃ


નાના વાડામાંથી મોટામાં મુક્ત થયા પછી 24 કલાકની અંદર ચિત્તાએ સફળતાપૂર્વક પોતાનો પ્રથમ શિકાર બનાવ્યો હોવાથી પાર્ક મેનેજમેન્ટની ચિંતાઓ દૂર થઈ છે. ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (CCF) ઉત્તર કુમાર શર્માએ જણાવ્યું હતું કે ચિત્તાઓએ રવિવારે અથવા સોમવારે વહેલી સવારે ચિત્તલનો શિકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ફોરેસ્ટ મોનિટરિંગ ટીમને સોમવારે સવારે આ અંગેની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે ચિત્તા તેના શિકારને બે કલાકમાં ખાઈ લે છે.


તમને જણાવી દઈએ કે, એક ખાસ પ્રોજેક્ટ હેઠળ નામિબિયાથી ખાસ પ્લેન મારફતે આ ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા છે. ચિત્તા નામિબિયાથી ભારત આવ્યા બાદ સારી રીતે વાતાવરણમાં ભળી જાય તે માટે વન વિભાગ દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. જે મુજબ હવે ચિત્તાઓ કુનો નેશનલ પાર્કમાં સુરક્ષિત રીતે રહી શકે અને શિકાર કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરાઈ છે.