નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું સોમવારે સવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમણે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર તેમના વતન ગામ સૈફઈમાં મંગળવારે બપોરે 3 વાગ્યે કરવામાં આવશે. આ પહેલા સવારે 10 વાગ્યાથી અંતિમ સંસ્કાર માટે મૃતદેહને સૈફઈ મેળા ગ્રાઉન્ડના પંડાલમાં રાખવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સૈફઈ પહોંચશે. આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, હેમંત સોરેન, ઓમ બિરલા, કેસીઆર કમલનાથ સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ શ્રદ્ધાંજલિ આપવા સૈફઇ પહોંચશે.
અંતિમ સંસ્કારમાં કોણ હાજરી આપશે?
NCPના વડા શરદ પવાર, મહારાષ્ટ્રના સુપ્રિયા સુલે પણ આજે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવી રહ્યા છે. તાજેતરમાં જ પોતાની રાષ્ટ્રીય પાર્ટીની શરૂઆત કરનાર તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પણ આજે સૈફઈ પહોંચવાના છે. તેમના સિવાય છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, AAP નેતા સંજય સિંહ પણ આજે શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે. જો કે પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ સૈફઈમાં આવવાના હતા, પરંતુ હવે તેઓ બુધવારે આવશે.
જો કે, સોમવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા. મુલાયમ સિંહ યાદવના નિધનની જાણ થતાં તેઓ શ્રદ્ધાંજલિ આપવા મેદાંતા પહોંચ્યા હતા. તેઓ લગભગ 20 મિનિટ સુધી પરિવાર સાથે ત્યાં હાજર રહ્યા અને તેમણે અખિલેશ યાદવ સાથે વાત પણ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન મુલાયમસિંહ યાદવને યાદ કર્યા હતા.
નોંધનીય છે કે મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર તે જ જગ્યાએ કરવામાં આવશે જ્યાંથી તેમણે પોતાની રાજકીય ઓળખ બનાવી હતી. ઈટાવાના સૈફઈમાં મુલાયમ સિંહની અંતિમ વિદાયની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કિસાન બજાર પાસેની જમીનમાં સફાઈની કામગીરી ચાલી રહી છે. જ્યાં નેતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગત સાંજે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પણ મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવા તેમના વતન ગામ સૈફઈ પહોંચ્યા હતા.