મુંબઈની આરે કોલોનીમાં મેટ્રોશેડ બનાવવા માટે 2700થી વધુ ઝાડને કાપવાની મંજૂરી આપવામાં આવી છે અને તેની શરૂઆત થતા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. બૉમ્બે હાઈકોર્ટે મુંબઈની આરે કોલોનીમાં મેટ્રોશેડ બનાવવાની મંજૂરી આપતા વિરોધ દર્શાવતી તમામ અરજીઓ ફગાવી દીધી છે. આરે કોલીની તરફ જતા તમામ રસ્તાઓ પર પોલીસે બૈરિકેડ લગાવી દિધા છે. મીડિયાને પણ અંદર જવાની મંજૂરી નથી આપવામાં આવી. 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.


શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ પણ જંગલ કાપવાનો વિરોધ કર્યો છે, આ સાથે જ તેમણે કેંદ્ર અને રાજ્ય સરકારને કહ્યું કે પર્યાવરણના મુદ્દા પર તેઓ એકમત નથી. એક્ટ્રેસ સ્વરા ભાસ્કર, ફિલ્મકાર ઓનિસ સહિતની હસ્તીઓ ટ્વિટર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

મુંબઈની આરે કોલોનીમાં શુક્રવારે ઝાડ કાપવાની શરૂઆત કરવામાં આવી હતી. ઝાડ કાપવાની શરૂઆત થતાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને વિરોધ કર્યો હતો. સોશિયલ મીડિયામાં પણ ભારે વિરોધ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો આરે કોલોની પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો.

આ ઘટનાના સામે મુંબઈની હસ્તીઓ સહિત રાજકીય નેતાઓ અને બોલીવૂડ સેલેબ્સએ પણ વિરોધ નોંધાવ્યો છે.