મુંબઈઃ દેશમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો આવી રહ્યો છે, જેને લઈ મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને પુણેમાં લોકડાઉન નાંખવાની ફરજ પડી છે. માયાનગરી મુંબઈમાં કોરોનાના નવા એક્ટિવ કેસની સંખ્યામાં 89 ટકા જેટલો વધારો થયો છે. આ કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે ચેતવણી આપતાં કહ્યું કે, જો આઠ થી દસ દિવસમાં કોરોનાના મામલા નહીં ઘટે તો મુંબઈમાં લોકડાઉન લગાવી દેવાશે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે સીએમ ઉદ્ધવ ઠાકરેને કેબિનેટમાં કોરોનાની વર્તમાન હાલતથી માહિતગાર કરાવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગે વિવિધ જિલ્લામાં કોરોનાના વધતા કેસને લઈ ચિંતા પણ વ્યક્ત કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, મીટિંગમાં લોકડાઉન લગાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાના નવા મામલા જો રીતે વધતા રહેશે તો એપ્રિલ સુધીમાં રાજ્યમાં નવા કોરોના દર્દીની સંખ્યા બે લાખ સુધી પહોંચી છે. કોરોનાની વધતા મામલાનું કારણ શોધવા કેન્દ્ર સરકારની એક ટીમ ટૂંક સમયમાં જ મહારાષ્ટ્રની મુલાકાત લેવાની છે.
થાણેમાં કોરોનાને કાબુમાં કરવા તંત્રએ 11 હોટસ્પોટમાં લોકડાઉન લાગુ કર્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ થાણેના 11 હોટસ્પોટમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન નાંખવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં કોરોનાના મામલા વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલા ઓરંગાબાદમાં આંશિક લોકડાઉન લગાવવાનો ફેંસલો સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. 11 માર્ચથી 4 એપ્રિલ સુધી શહેરમાં તમામ સાર્વજનિક કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે. એટલું જ નહીં આ દિવસો દરમિયાન શહેરમાં કોઇ પણ હોલમાં લગ્ન સમારંભ નહીં યોજાય. સ્થાનિક તંત્રના કહેવા મુજબ, જે કોઇના લગ્ન પહેલાથી જ નક્કી થયા હશે તેમણે રજિસ્ટર મેરેજ કરવા પડશે. ઉપરાંત સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, એપીએમસી પણ આ દરમિયાન બંધ કરવાનો ફેંસલો તંત્રએ લીધો છે. જ્યારે શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે.