મંગળવારે (30 સપ્ટેમ્બર) મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ઈન્ડિગોની ફ્લાઈટ 6E 762 મુંબઈથી રવાના થઈ હતી અને સવારે 8 વાગ્યાની આસપાસ બોમ્બ હોવાની ધમકી મળી હતી. માહિતી મળતાં જ દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને કટોકટી જાહેર કરવામાં આવી હતી. વિમાન લેન્ડિંગ દરમિયાન તમામ સુરક્ષા પગલાં કડક રીતે અનુસરવામાં આવ્યા હતા જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
ફ્લાઇટમાં આશરે 200 મુસાફરો હતા. ધમકી મળ્યા પછી તરત જ દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓએ તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરી હતી અને વિમાનના સલામત ઉતરાણ માટે તૈયારીઓ કરી હતી. જોકે, તપાસમાં જાણવા મળ્યું હતું કે ધમકી નોન સ્પેસિફિક એટલે કે તે સ્પષ્ટપણે કોઈ ચોક્કસ ધમકીનો સંકેત આપતી ન હતી. તેમ છતાં, સુરક્ષા એજન્સીઓએ કોઈપણ ભૂલ ટાળવા માટે તમામ પ્રોટોકોલનું પાલન કર્યું હતું.
ઉતરાણ પછી મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી હતી
દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી બધા મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને વિમાનની તપાસ કરવામાં આવી હતી. મુસાફરોના સામાનની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
ઇન્ડિગોએ ધમકી અંગે કઈ માહિતી આપી ?
ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "મુંબઈથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 762 પર સુરક્ષા ખતરો જોવા મળ્યો હતો. સ્થાપિત પ્રોટોકોલનું પાલન કરીને, અમે તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરી અને ફ્લાઇટને રવાના કરતા પહેલા જરૂરી સુરક્ષા તપાસ કરવામાં તેમની સાથે સંપૂર્ણ સહયોગ કર્યો. અમે અમારા મુસાફરોને થતી અસુવિધાને ઓછી કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે, જેમાં તેમને નાસ્તો પૂરો પાડવાનો અને નિયમિત અપડેટ્સ શેર કરવાનો સમાવેશ થાય છે. હંમેશની જેમ, અમારા મુસાફરો, પાઇલટ્સ અને વિમાનની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે."