Mumbai Fire: મુંબઈના પશ્ચિમ ગોરેગાંવમાં રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. MG રોડ પરની સાત માળની ભવાની બિલ્ડિંગમાં આગ લાગતાં સાત લોકોના મોત થયા છે. આગમાં અત્યાર સુધીમાં 39 લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 31 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. દસથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
આગ ગઇકાલે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ ફાટી નીકળી હતી. લગભગ દસથી બાર ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને 31 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા જ્યારે 39 ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કૂલિંગની પ્રક્રિયા ચાલી રહી છે.
ફાયર વિભાગની 10 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો
આ આગ મુંબઈના ગોરેગાંવમાં G+5 બિલ્ડિંગમાં લાગી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આગમાંથી 39 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારે જહેમત બાદ ફાયર વિભાગની 10 ગાડીઓએ ગોરેગાંવ વેસ્ટમાં જય ભવાની નામની ઈમારતમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. તમામ ઇજાગ્રસ્તોને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ મામલામાં BMC અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુરુવારે મોડી રાત્રે એક બિલ્ડિંગમાં આગ લાગવાની માહિતી મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગની માહિતી મળતા જ તેઓએ તાત્કાલિક પોતાના વાહનોને સ્થળ પર મોકલ્યા હતા.
અહીં બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી 4 કાર અને 30થી વધુ બાઇક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના પાર્કિંગમાં ઘણું જૂનું કાપડ રાખવામાં આવ્યું હતું, જેમાં આગ લાગી હોઇ શકે છે. આગ થોડી જ વારમાં આખા પાર્કિંગ અને બિલ્ડિંગના પહેલા અને બીજા માળ સુધી ફેલાઇ ગઇ હતી. HBT હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઘાયલોમાંથી 6 લોકોના મોત થયા છે, જેમાં પાંચ મહિલાઓ (2 બાળકો) અને એક પુરુષનો સમાવેશ થાય છે. 25 ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે, જેમાં 12 પુરુષો અને 13 મહિલાઓનો સમાવેશ થાય છે. ઘાયલોને કૂપર હોસ્પિટલ અને HBT હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.