મુંબઇઃ મહારાષ્ટ્ર વન વિભાગના 31 વાંદરાઓ અને 14 કબૂતરોના મોત મામલામાં ઇસરોના પાંચ એન્જિનિયરો સહિત  10 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે રસાયાની સ્થિત હિંદુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિમિટેડના પ્લાન્ટમાંથી નાઇટ્રિક એસિડ લીક થયા બાદ આ વાંદરાઓ અને કબૂતરોનું મોત થયું હતું. આ તમામ 10 લોકો પર વાંદરાઓ અને કબૂતરોને દાટવાના પ્રયાસ થયાના આરોપ લગાવવામાં આવ્યા હતા. ઇસરોના આ પ્લાન્ટમાં 13 ડિસેમ્બર 2018ના રોજ એસિડ લીક થયું હતું. સહાયક વન સંરક્ષણ કમિશનર નંદકિશોર કુપતે કહ્યું કે, બે ખાડો ખોદનારા અને બે મજૂરો વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરાઇ છે.


કુપતે કહ્યું કે, પનવેલના ન્યાયિક મેજીસ્ટ્રેટની કોર્ટમાં 21 જૂનના રોજ 108 પેજની ચાર્જશીટ દાખલ કરાઇ હતી પરંતુ કોર્ટની સુનાવણી અત્યાર સુધી શરૂ થઇ નથી. આ વચ્ચે કંપનીના ચેરમેન અને એમડી એસબી ભિડેએ કહ્યું કે, તેમનો વિભાગ આ મામલાને જોઇ રહ્યો છે અને યોગ્ય પગલા ભરી રહ્યો છે. અમે કેસ લડીશું.

નોંધનીય છે કે વન્ય જીવન કાનૂન 1972ની કલમ 39,52 અને 58 હેઠળ આ તમામ 10 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઇસરોના એન્જિનિયરોમાં રાજેન્દ્ર સુર્તે, ગૌતમ મરાઠે, સંજય દીક્ષિત, અનિલ શિગવાન અને તુલસીદાર માલી સામેલ છે.